Gandhinagar News : તમે આવેદનો અને રજૂઆતો વાંચો છો ખરા? કેબિનેટ બેઠકમાં CMએ સેક્રેટરીઓને ઝાટક્યા

📅 Published: September 24, 2026 | 📂 Category: gujarati-news

છેલ્લા ત્રણેક મહિનાથી જોબચાર્જ,કામનું ભારણ,બઢતી અને તેમાં રેશિયો,ભથ્થા,ટ્રેનિંગ નિયમોથી લઈને વર્ક લોડ,પેન્શન,ભરતીમાં ઝડપ તેમજ પહેલાથી પડતર પ્રશ્નોને લઈ સરકારમાં 50થી વધુ સંવર્ગના કર્મચારીઓના દોઢ ડઝન સંગઠનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.બુધવારે કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુદ્દે સેક્રેટરીઓને ઠપકો આપીને નોકરશાહીની નિષ્ક્રિયતા સંદર્ભે નારાજગી વ્યક્ત કરી છે.તેમણે સેક્રેટરીઓને કહ્યું હતું કે, કર્મચારીઓ સંગઠનોમાંથી જે રજૂઆતો, આવેદનપત્રો આવે છે તેને તમારા સ્તરે સૌથી પહેલા ઉકેલવા તત્કાળ પ્રયત્ન થવો જોઈએ.

નાના વિવાદો મોટા આંદોલનમાં પરિણામે છે

કર્મચારી સંગઠનોની રજૂઆતો ફાઈલોમાં ધૂળ ખાતી હોવાથી નાના વિવાદો મોટા આંદોલનમાં પરિણામે છે.સેક્રેટરીઓના સ્તરે સંવાદના અભાવને કારણે છેલ્લે તો મંત્રીઓને વચ્ચે પડવું પડે છે.આવી સ્થિતિને ગંભીર ગણીને મુખ્યમંત્રીએ અધિકારીઓની સીધી જવાબદેહી નક્કી કરવા પર ભાર મૂક્યો હતો.આંદોલન કરનાર કે હડતાલની ચીમકી આપનારામાં પંચાયત અને આરોગ્યના MPHW, ટેક, ફાર્માસિસ્ટ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ,મહેસૂલી-પંચાયત તલાટી,નાયબ મામલતદાર, ક્લાર્ક, લેન્ડ સર્વેયર, ગ્રામસેવક, શિક્ષકો, કોલેજ અધ્યાપકો, યુનિવર્સિટી બિન-શૈક્ષણિક સ્ટાફ, ST ડ્રાઈવર-કંડક્ટર, મિકેનિકલ સ્ટાફ, RTO, આંગણવાડી- મનરેગા, વીજ કંપનીના લાઈનમેન- જુનિયર ઇજનેરો, હોમગાર્ડ્સ સહિતનો સમાવેશ થાય છે.

કેબિનેટમાં સેક્રેટરીઓની ઝાટકણી કાઢી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટમાં સેક્રેટરીઓની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે,કર્મચારી સંગઠનોની રજૂઆતોનો સમયસર નિકાલ ન થવાને કારણે નાના વિવાદો પણ મોટા આંદોલનામાં પરિવર્તિત થાય છે.તમે તમારી પાસે આવેલા આવેદનપત્રો કે રજૂઆતો વાંચો છો ખરા? તે વાંચો ને રજૂઆત કરનારાઓ સાથે સંવાદ રચીને ઉકેલો.પ્રશ્નો વહીવટી હોય છે એ તમારા સ્તરના જ હોય છે તો તમારે ટેબલે જ ઉકેલ આવવો જોઈએ.કહેવાય છે કે,મુખ્યમંત્રીની આ ટકોર પછી સેક્રેટરીઓએ માથું હલાવ્યે રાખ્યું હતું.

આવેદનપત્રોનો ત્વરિત નિકાલ કરવા કડક આદેશ

હવે મુખ્યમંત્રીએ સ્વયં મંત્રીઓની હાજરીમાં “ઓપન ડોર પોલિસી” અપનાવી આવેદનપત્રોનો ત્વરિત નિકાલ કરવા કડક આદેશ આપ્યો છે ત્યારે કર્મચારી સંગઠનોના પ્રશ્નો સચિવાલયના દરવાજેથી મંત્રીઓની ચેમ્બર સુધી પહોંચે છે કે કેમ તે જોવું રહ્યું. ઉલ્લેખનિય છે કે, વિભાગોના વડા-સેક્રેટરીઓ કક્ષાએ કર્મચારીઓના પ્રશ્ને ચૂપકિર્દી રહેતા ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ બે જ મહિનામાં ગ્રાઉન્ડ ઉપર ફિલ્ડવર્ક કરનારા છથી વધુ સંવર્ગના કર્મચારીઓ કામથી અળગા રહ્યા હતા, આંદોલન ઉપર ઉતર્યા હતા. હવે આ મુદ્દે આગળ ઉપર રાજ્ય સરકાર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને કેવા પગલાં લેવામાં આવે છે તેના પર બધાની મીટ મંડાઈ છે. હાલમાં તો આ મુદ્દો કર્મચારી અને અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચોઃ India News: ગ્રેટર નોઈડામાં યમુના એક્સપ્રેસ વે પર પસાર થતી સ્લીપર બસમાં આગ, 9 લોકોના મોત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *