Surat એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસના સ્ટાફની મનમાની, સમયસર પહોંચેલા મુસાફરને અટકાવતાં વિવાદ, Video Viral

📅 Published: September 24, 2026 | 📂 Category: Surat

સુરત એરપોર્ટ પરથી એર ઇન્ડિયા એક્સપ્રેસની બેંગ્લુરુ જતી ફ્લાઇટના એક મુસાફરને બોર્ડિંગ ન કરવા દેવાતાં ભારે વિવાદ અને હોબાળો સર્જાયો છે. સાંજે 6:38 વાગ્યે ઉપડનારી ફ્લાઇટ માટે મુસાફર સાંજે 6:20 વાગ્યે જ ગેટ નંબર-6 પર હાજર થઈ ગયો હતો. ફ્લાઇટ ઉપડવામાં હજુ પૂરતો સમય બાકી હોવા છતાં એરલાઇનના સ્ટાફે મુસાફરને અંદર જતાં અટકાવી દીધો હતો અને બોર્ડિંગ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

આજીજી કરવા છતાં પ્રવેશ ના મળ્યો

મુસાફરે ફ્લાઇટ ચૂકવી ના પડે તે માટે એરલાઇન સ્ટાફ તેમજ ત્યાં તૈનાત CISF જવાન સમક્ષ ઘણી કરગરીને આજીજી કરી હતી, તેમ છતાં તેમને અંદર જવા દેવામાં આવ્યો ન હતો. આ બનાવ અંગે મુસાફરે એર ઇન્ડિયા એક્સપ્રેસના સ્ટાફ સામે અત્યંત અસભ્ય, ઉદ્ધત અને ગેરવાજબી વર્તન કરવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. એરલાઇન કર્મચારીઓ સામાન્ય મુસાફરો સાથે તાનાશાહી વલણ દાખવતા હોવાના વિરોધ સાથે એરપોર્ટ પર વાતાવરણ ગરમાયું હતું.

“VIP હોત તો ફ્લાઇટ રોકત” – વિડીયો વાઇરલ કરી કાર્યવાહીની માંગ

આ ઘટના બાદ મુસાફરે પોતાનો રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે, “જો કોઈ VIP વ્યક્તિ હોત તો ફ્લાઇટ રોકીને પણ તેમને બેસાડવામાં આવ્યા હોત, પરંતુ સામાન્ય મુસાફરોની કોઈ કદર નથી.” ફ્લાઇટ ઉપડવામાં સમય બાકી હોવા છતાં મનમાની કરનારા એરલાઇન સ્ટાફની આ દાદાગીરી સામે સખત કાર્યવાહી કરવાની માંગ સાથે મુસાફરે સમગ્ર બનાવનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો છે. આ વિડીયો વાઇરલ થતાં જ એરપોર્ટ ઓથોરિટી અને એરલાઇન્સની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

આ પણ વાંચો : Ahmedabad News : બિલ્ડરના ફાયદા માટે AMTS બસ સ્ટેન્ડ ગાયબ કરાયું? જોધપુર ચાર રસ્તા પાસે મુસાફરો પરેશાન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *