'GST ભરીએ છીએ તો UPI પર ટેક્સ કેમ?':ગાંધી જયંતિએ 2000થી વધુ દુકાનદારો સ્કેનરો પર કાળું કપડું ઢાંકશે, UPI પર ટેક્સ લાદવાના વિરોધમાં રાજકોટના વેપારીઓ લાલઘૂમ

📅 Published: September 24, 2026 | 📂 Category: gujarati-news

કેન્દ્ર સરકાર દ્વારા 15 ઓક્ટોબરથી UPI પેમેન્ટ્સમાં ટેક્સ વસૂલવાના નિર્ણય સામે દેશભરના વેપારીઓએ વિરોધનું રણશિંગુ ફૂંકી દીધું છે. આગામી તા.2 ઓક્ટોબરના રોજ રાજકોટ સહિત દેશના વેપારીઓ UPI પેમેન્ટ્સ નહીં સ્વીકારે. રાજકોટમાં ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી, લાખાજીરાજ રોડ સહિતની મુખ્ય બજારના 2000 મળી શહેરના તમામ નાના-મોટા વેપારીઓ આ દિવસે UPI સ્કેનર પર કાળું કપડું ઢાંકી રાખી પોતાનો વિરોધ નોંધાવશે. રાજકોટના ટેક્સટાઇલ એસોસિએશનનો વિરોધ
રાજકોટ ટેકસટાઇલ એસોસિએશનના હિતેશ અનડકટે જણાવ્યું હતું કે, આગામી 15 ઓક્ટોબરથી કેન્દ્ર સરકારે એવું નક્કી કર્યું છે કે જે વેપારીઓ UPI પેમેન્ટ્સ સ્વીકારે છે, તેઓની પાસેથી 0.4% (MDR) જેવો ટેક્સ વસૂલ કરવામાં આવશે. જેની સામે ગુજરાત અને ભારતના વેપારીઓનો ઉગ્ર વિરોધ છે, જેમાં રાજકોટના વેપારીઓ પણ જોડાઈને વિરોધ પ્રદર્શિત કરશે. સ્કેનર પર કાળું કપડું ઢાંકી ડિજિટલ પેમેન્ટ નહીં લેવાની અપીલ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી તા.2 ઓક્ટોબરના ગાંધી જયંતીના દિવસે અમે તમામ વેપારીઓને વિનંતી કરવાના છીએ કે જે લોકો UPIથી પેમેન્ટ સ્વીકારે છે, તેઓ પોતાની દુકાને સ્કેનર પર એક દિવસ પૂરતું કાળું કપડું ઢાંકી રાખી આ UPI ટેક્સનો વિરોધ નોંધાવે. કેન્દ્ર સરકાર દ્વારા વારંવાર નાના-મોટા વેપારીઓ ઉપર જ ટેક્સનો બોજ નાખવામાં આવતો હોવાથી અમારો આ વિરોધ છે. પહેલાં કેશલેસની આદત પાડી હવે ટેક્સ વસૂલાત
તેમણે જણાવ્યું કે, સરકારે શરૂઆતમાં કેશલેસ ટ્રાન્ઝેક્શન પ્રોત્સાહિત કરવા UPIને આગળ ધપાવ્યું અને હવે વેપારીઓ પાસેથી ટેક્સ વસૂલવાનો નિર્ણય કર્યો છે. હાલ વેપારીઓ નિયમિત GST તો ભરે જ છે, તો પછી વધારાનો ટેક્સ શા માટે આપવાનો? UPI પેમેન્ટ્સમાં નક્કી કરાયેલા દર મુજબ જો કોઈ ગ્રાહક રૂ. 2500નું ટ્રાન્ઝેક્શન કરે તો વેપારીને રૂ. 10 ટેક્સ લાગે. આ અન્યાયી નીતિ સામે આગામી 2 ઓક્ટોબરે રાજકોટ શહેરની મુખ્ય બજારોના 2000થી વધુ વેપારીઓ UPI પેમેન્ટ્સ સ્વીકારવાનું સંપૂર્ણપણે બંધ રાખી વિરોધ દર્શાવશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *