પાકિસ્તાને ગુરુવારે અફઘાનિસ્તાનમાં 10 ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરાડે કહ્યું કે આ હુમલા અફઘાનિસ્તાન તરફથી એક દિવસ પહેલાં કરવામાં આવેલા ડ્રોન હુમલાના જવાબમાં કરવામાં આવ્યા છે. તરાડના જણાવ્યા અનુસાર, આ 10 સ્થળોનો ઉપયોગ ડ્રોન લોન્ચ કરવા અને તેમને રાખવા માટે કરવામાં આવતો હતો. તેમણે કહ્યું કે આ ઠેકાણાઓની ઓળખ કરવામાં આવી હતી અને ચોકસાઈપૂર્વક હુમલાઓને અંજામ આપવામાં આવ્યો. અફઘાનિસ્તાને આ તાજેતરના હુમલાઓ પર તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી નથી. હુમલા સાથે જોડાયેલી 2 તસવીરો… પાકિસ્તાને 8 ડ્રોન તોડી પાડ્યાનો દાવો કર્યો પાકિસ્તાને બુધવારે દાવો કર્યો કે તેના સુરક્ષા દળોએ 8 ડ્રોન તોડી પાડ્યાં છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ડ્રોન અફઘાન તાલિબાને મોકલ્યાં હતાં અને કોહાટ તથા તોરખમમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. તમામ ડ્રોન સરહદ નજીક જ તોડી પાડવામાં આવ્યાં હતાં. પાકિસ્તાનના જણાવ્યા મુજબ, તેનાથી કોઈ નુકસાન થયું નથી. બીજી તરફ અફઘાનિસ્તાને આ હુમલાઓનો ઇનકાર કર્યો હતો. અફઘાન તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે બુધવારે કહ્યું હતું કે અમારા સુરક્ષા દળોએ કોઈ હુમલો કર્યો નથી. PAKનો આરોપ- TTPના આતંકીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના આતંકીઓએ પક્તિયા અને નંગરહારથી પાકિસ્તાનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. પાકિસ્તાની સુરક્ષા દળોએ તેને નિષ્ફળ બનાવી દીધો. ત્યારબાદ અફઘાન તાલિબાન દળોએ પાકિસ્તાની સરહદી ચોકીઓ પર મોર્ટાર અને ભારે હથિયારોથી ગોળીબાર કર્યો. જવાબમાં પાકિસ્તાને તાલિબાનની ચોકીઓ અને મોર્ટાર ઠેકાણાઓ પર તોપોથી હુમલો કર્યો. પાકિસ્તાન TTPને ‘ફિતના-ઉલ-ખવારિજ’ કહે છે. TTP અને અફઘાન તાલિબાન અલગ-અલગ સંગઠનો છે. જોકે, બંને વચ્ચે ગઠબંધન હોવાનું કહેવાય છે. પાકિસ્તાન અને TTP વચ્ચે લડાઈ શા માટે? 2001માં અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યા બાદ પાકિસ્તાને અમેરિકાનો સાથ આપ્યો. તેનાથી TTP નારાજ થઈ ગયું, તે આને ઇસ્લામ વિરુદ્ધ માનતું હતું. TTPનું માનવું છે કે પાકિસ્તાન સરકાર સાચા ઇસ્લામને માનતી નથી, તેથી તે તેની વિરુદ્ધ હુમલા કરે છે. TTPનો અફઘાન તાલિબાન સાથે ગાઢ સંબંધ છે. બંને જૂથો એકબીજાને સમર્થન આપે છે. 2021માં અફઘાન તાલિબાન સત્તામાં આવ્યા બાદ પાકિસ્તાને TTPને નિશાન બનાવીને અફઘાનિસ્તાનમાં હુમલા કર્યા. 3 દિવસ પહેલાં પણ એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી સોમવારે પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરી હતી. પાકિસ્તાનના માહિતી મંત્રાલયે દાવો કર્યો હતો કે તેમાં 28 આતંકવાદીઓ માર્યા ગયા. દરમિયાન, અફઘાન અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલામાં ઓછામાં ઓછા 3 નાગરિકોના મોત થયા અને 4 લોકો ઘાયલ થયા.
પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં 10 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી:કહ્યું- ડ્રોન હુમલાઓનો જવાબ આપ્યો, તાલિબાને પહેલા ચોકીઓ પર ગોળીબાર કર્યો
📅 Published: September 24, 2026 |
📂 Category: International
