વીમા પોલિસી ખરીદતા ગ્રાહકો માટે આવનારા સમયમાં નિયમોમાં કેટલાક મહત્વના ફેરફાર થઈ શકે છે. ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ એટલે કે IRDAIએ વીમા કંપનીઓના ખર્ચ, એજન્ટોના કમિશન અને પોલિસી વેચવાની પ્રક્રિયાને લઈને નવા પ્રસ્તાવો જાહેર કર્યા છે.
આ પ્રસ્તાવોનો હેતુ વીમાનો ખર્ચ નિયંત્રણમાં રાખવાની સાથે વેચાણ પ્રક્રિયામાં વધુ સ્પષ્ટતા લાવવાનો અને ખોટી રીતે પોલિસી વેચવાની ફરિયાદો પર અંકુશ મૂકવાનો છે.
વીમા કંપનીઓના ખર્ચની મર્યાદા ઘટાડવાનો પ્રસ્તાવ
IRDAIએ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ માટે EoMની મર્યાદા ઘટાડવાનું સૂચન કર્યું છે. પ્રસ્તાવ મુજબ કંપનીઓએ 2 વર્ષમાં પોતાનું EoM GDPIના 15% અને 5 વર્ષમાં 12.5% સુધી લાવવું પડશે.
જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓના કિસ્સામાં EoMની ગણતરી માટે ગ્રોસ રિટેન પ્રીમિયમની જગ્યાએ ડોમેસ્ટિક GDPIને આધાર બનાવવાનો પ્રસ્તાવ છે. 5 વર્ષમાં તેની મર્યાદા 30%થી ઘટાડીને 20% કરવાની વાત કરવામાં આવી છે.
પોલિસી પ્રમાણે નક્કી થશે કમિશન
નવા પ્રસ્તાવમાં તમામ પ્રકારની પોલિસી માટે એકસરખું કમિશન રાખવાને બદલે પ્રોડક્ટ, સમયગાળો, વેચાણ ચેનલ અને પોલિસી વેચવામાં લાગતી મહેનતને ધ્યાનમાં લેવાની વાત કરવામાં આવી છે.
ઇન્ડિવિજ્યુઅલ નોન-લિન્ક્ડ અને લિન્ક્ડ પોલિસીમાં ઇન્ટરમિડિયરીનું કમિશન 5%થી 20% અને એજન્ટનું કમિશન 6.25%થી 25% સુધી રાખવાનો પ્રસ્તાવ છે. પ્યોર ટર્મ પ્લાનમાં પ્રથમ વર્ષે ઇન્ટરમિડિયરીને 25% અને એજન્ટને 30% સુધી કમિશન મળી શકે છે.
હેલ્થ અને મોટર ઇન્શ્યોરન્સ માટે પણ નવા નિયમો
ઇન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સના નવા વેચાણ પર ડિસ્ટ્રિબ્યુશન સંસ્થાઓ માટે આશરે 15% અને એજન્ટો માટે 20% કમિશનનો પ્રસ્તાવ છે. રિન્યુઅલ પર આ કમિશન અનુક્રમે 5% અને 10% રહેશે.
મોટર થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સમાં ડિસ્ટ્રિબ્યુટર્સ માટે કમિશન શૂન્ય રાખવાનો પ્રસ્તાવ છે, જ્યારે એજન્ટો અને એસોસિયેટ્સને 2.5% સુધી કમિશન મળી શકે છે.
લોન સાથે ફરજિયાત રીતે વીમો વેચવા પર રોક
IRDAIએ લોન અથવા ક્રેડિટ સાથે વીમાને ફરજિયાત રીતે જોડવાની વ્યવસ્થા પર રોક લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સાથે જ બેંક અને NBFCના કર્મચારીઓને વીમો વેચવા માટે વેચાણની સંખ્યા અથવા રિવોર્ડ સાથે જોડાયેલા ઇન્સેન્ટિવ આપવા પર પણ રોક મૂકવાનું સૂચન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત વીમા કંપનીઓ અને મોટા ડિસ્ટ્રિબ્યુટર્સે પોતાની કમિશન નીતિ અને સ્ટ્રક્ચરની માહિતી સરળ ભાષામાં જાહેર કરવી પડશે. ખર્ચની દેખરેખ માટે કેટલાક કિસ્સામાં કોસ્ટ ઓડિટ ફરજિયાત કરવાનો પણ પ્રસ્તાવ છે.
મિસ-સેલિંગ પર વધશે જવાબદારી
નિયામકે પોલિસી વેચનાર વ્યક્તિની ઓળખને સંબંધિત પોલિસી સાથે જોડવાની અને મિસ-સેલિંગ સાથે જોડાયેલા મામલાની માહિતી જાહેર કરવાની ભલામણ કરી છે.
ખોટી રીતે પોલિસી વેચવામાં આવે તો કમિશન પાછું લેવાની એટલે કે ક્લોબેકની જોગવાઈનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
