Share Market Crash: ભારતીય શેરબજારમાં આજે મોટો કડાકો જોવા મળી રહ્યો છે. બપોરે લગભગ 2:30 વાગ્યે સેન્સેક્સમાં 1200થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો હતો. સેન્સેક્સ 1228 પોઈન્ટ ઘટીને 73,600ની આસપાસ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 3756 પોઈન્ટ ઘટીને 23,069ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. બપોરે 3.30 કલાકે બજાર ઘટાડા સાથે બંધ થયું. સેન્સેક્સ 1,247.71 (1.67%) પોઈન્ટના ઘટાડાસાથે 73,580.54 ના અંકે બંધ થયો. જયારે આ જ સમયે નિફ્ટી 383.70 (1.64%)ના ઘટાડા સાથે 23,063.10ના સ્તર પર બંધ થયો.
વીમા કંપનીઓના શેરમાં પણ મોટો કડાકો
BSEના 30 શેર ધરાવતા સેન્સેક્સમાં હાલમાં તમામ શેર લાલ નિશાનમાં છે. એક્સિસ બેન્ક, બજાજ ફિનસર્વ અને બજાજ ફાઇનાન્સના શેરમાં 4થી 6 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. વીમા કંપનીઓના શેરમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. PB Fintechના શેરમાં 28 ટકા સુધીનો ઘટાડો થયો છે. જ્યારે Turtlemintના શેરમાં પણ 20 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
IRDAIના પ્રસ્તાવની અસર?
શેરબજારમાં આવેલા આ કડાકા પાછળ વીમા નિયામક IRDAIના નવા પ્રસ્તાવને પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે. IRDAIએ ફરજિયાત થર્ડ પાર્ટી મોટર ઇન્શ્યોરન્સ અને નવી ગાડીઓ સાથે વેચાતા વીમા પર કમિશન ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. IRDAIએ વીમા ક્ષેત્રમાં સુધારા માટે ‘Recalibrating Economics of Insurance Distribution’ નામનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેનો હેતુ બેન્કો દ્વારા ગ્રાહકોને વીમો વેચવાની રીતમાં ફેરફાર કરવો, વીમાનો ખર્ચ ઘટાડવો અને કમિશન માટે મર્યાદા નક્કી કરવાનો છે. આ પ્રસ્તાવથી બેન્કો અને વીમા કંપનીઓની કમાણી પર અસર થઈ શકે છે. જેના કારણે વીમા ક્ષેત્ર સાથે જોડાયેલા શેરોમાં પણ દબાણ જોવા મળી રહ્યું છે.

માર્કેટમાં ઘટાડા પાછળ આ 4 કારણો પણ જવાબદાર
- અમેરિકન ટ્રેઝરી યીલ્ડ વધીને 2007 પછીના પોતાના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગઈ છે, જેના કારણે ડૉલર એસેટ્સ આકર્ષક બન્યા છે અને ભારત જેવા ઉભરતા બજારોમાંથી વિદેશી રોકાણ પર દબાણ વધી રહ્યું છે.
- મજબૂત અમેરિકન આર્થિક આંકડાઓને કારણે ઓક્ટોબરમાં ફેડ દ્વારા વ્યાજ દર વધારવાની શક્યતા 66%થી વધુ થઈ ગઈ છે, જેના કારણે જોખમી એસેટ્સના વેલ્યુએશન પર અસર પડી રહી છે.
- બ્રેન્ટ ક્રૂડની કિંમતો 100 ડૉલર પ્રતિ બેરલને પાર નીકળી ગઈ છે, જેના કારણે ભારત જેવા તેલ આયાત કરતા દેશનું આયાત બિલ વધવા અને મોંઘવારીનું જોખમ ઊભું થયું છે.
- જિયો-પોલિટિકલ અનિશ્ચિતતા અને તણાવના કારણે વૈશ્વિક સ્તરે તેલ સપ્લાય ખોરવાવાનું જોખમ ઊભું થયું છે, જેના કારણે બજારોમાં ચિંતા વધી છે.
મોંઘા ક્રૂડની ભારત પર અસર
સ્ટોક્સકાર્ટના ડિરેક્ટર અને CEO પ્રણય અગ્રવાલે જણાવ્યું કે, ભારતીય બજારમાં જોવા મળી રહેલી નબળાઈ પાછળ દેશ અને વિદેશના અનેક કારણો છે. તેમાં વધતી ક્રૂડ ઓઈલની કિંમત, વૈશ્વિક બોન્ડ યીલ્ડમાં વધારો અને વ્યાજદર લાંબા સમય સુધી ઊંચા રહેવાની શક્યતા મુખ્ય છે. પ્રણય અગ્રવાલના જણાવ્યા પ્રમાણે, ભારત જેવા ક્રૂડ ઓઈલ ખરીદતા દેશ માટે ક્રૂડની કિંમત 100 ડોલર પ્રતિ બેરલથી ઉપર જવી ચિંતાની વાત છે. તેનાથી મોંઘવારી, આયાત ખર્ચ અને કંપનીઓના ખર્ચ પર અસર થઈ શકે છે.
રોકાણકારોએ કઈ બાબતો પર નજર રાખવી?
વૈશ્વિક બોન્ડ યીલ્ડ વધવાથી વિદેશી રોકાણ પર પણ અસર થઈ શકે છે અને ભારતીય રૂપિયા પર દબાણ આવી શકે છે. હાલ રોકાણકારો માટે ક્રૂડ ઓઈલની કિંમત, બોન્ડ યીલ્ડ, ઈરાન-અમેરિકા તણાવ અને વિશ્વની સેન્ટ્રલ બેન્કોના વ્યાજદર અંગેના નિર્ણય પર નજર રાખવી મહત્વપૂર્ણ રહેશે.
