ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના રાજકીય જંગમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સામે મજબૂત વિકલ્પ તરીકે ઊભરી આવવાના દાવા કરતી આમ આદમી પાર્ટી માટે શરૂઆતના તબક્કામાં જ અત્યંત શરમજનક સ્થિતિ ઊભી થઈ છે. દિગ્ગજ પ્રદેશ નેતાગીરી દ્વારા મોટા ઉપાડે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં સમાજના કિન્નર સમુદાયને રાજકીય પ્રતિનિધિત્વ આપવાના બણગાં ફૂંકીને વોર્ડ નંબર 10માંથી ચર્ચિત ટ્રાન્સજેન્ડર ઉમેદવાર એન્જલ પારેખ (પારેખ જય શૈલેષભાઈ)ના નામની જાહેરાત કરાઈ હતી. ભાજપ અને કોંગ્રેસ સામે બાથ ભીડવા નીકળેલી આમ આદમી પાર્ટીની આ જાહેરાત બાદ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી હતી, પરંતુ હવે પ્રદેશ નેતાગીરીની ઘોર અપરિપક્વતા અને ગંભીર બેદરકારી છતી થતાં પક્ષનો મોટો ફજેતો થયો છે. આંખો મીંચીને ઉમેદવાર બનાવી દેવાયા
કોઈપણ સ્તરે ચૂંટણી લડવાની ઉત્સુકતા વચ્ચે ઉમેદવારની પસંદગી કરતાં પહેલાં તેની દસ્તાવેજી લાયકાત અને ચૂંટણી પંચના કાયદાકીય નિયમોની ચકાસણી કરવી એ દરેક જવાબદાર રાજકીય પક્ષ માટે પ્રાથમિક પ્રક્રિયા હોય છે. કમનસીબે, આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓએ કોઈપણ પ્રકારની તપાસ કે મતદાર યાદીની ખાતરી કર્યા વિના જ એન્જલ માસીને સીધા ઉમેદવાર ઘોષિત કરી દીધા હતા. વોટર આઈડી ઉવારસદ ગામનું નીકળ્યું
આ વિવાદ ત્યારે સપાટી પર આવ્યો જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ કલાકો બાકી રહ્યા હતા. તે સમયે સામે આવ્યું કે એન્જલ માસીનું વોટર આઈડી કાર્ડ અને મતદાર યાદીમાં નામ ઉવારસદ ગામનું છે, જે ગાંધીનગર મહાનગરપાલિકાની સીમામાં આવતું જ નથી. આ ટેકનિકલ ક્ષતિને કારણે ચૂંટણી પંચ સમક્ષ ઉમેદવારી ફોર્મ સીધું જ રદ થઈ જાય તેમ હોવાથી અંતિમ ઘડીએ પ્રદેશ નેતાગીરીને પોતાની ગંભીર ભૂલ સમજાઈ હતી. પરિણામે આપને અત્યંત ઉતાવળે એન્જલ માસીનું નામ ચૂંટણી રેસમાંથી પાછું ખેંચવાની ફરજ પડી છે. વિપક્ષોને મળ્યો આક્રમક પ્રહાર કરવાનો મોકો
આ ઘટનાક્રમે ગાંધીનગરના રાજકારણમાં આમ આદમી પાર્ટી માટે કફોડી સ્થિતિ સર્જી દીધી છે. એક તરફ વોર્ડ નંબર 10માં છેલ્લી ક્ષણે નવો અને સક્ષમ સ્થાનિક ઉમેદવાર શોધવા માટે મોડી રાત સુધી દોડધામ કરવી પડી રહી છે, તો બીજી તરફ ચૂંટણી પ્રચારના પ્રારંભે જ ભાજપ અને કોંગ્રેસ જેવા વિરોધી પક્ષોને પ્રહારો કરવાનો મોટો રાજકીય મુદ્દો મળી ગયો છે. વિરોધીઓ ખુલ્લેઆમ સવાલો ઉઠાવી રહ્યા છે કે જે પક્ષ પોતાના ઉમેદવારનું વોટર આઈડી ચકાસવાની સામાન્ય સમજ પણ ધરાવતો નથી, તે પાટનગરની મહાનગરપાલિકાનો વહીવટ કેવી રીતે ચલાવી શકશે? આ વહીવટી છબરડાને લીધે કાર્યકરોમાં નિરાશા ફેલાઈ ગઈ છે. મીડિયા સંયોજકે નવો ઉમેદવાર મૂકવાની વાત સ્વીકારી
આ છબરડા અંગે ગાંધીનગર સંગઠન મંત્રી દિલીપ ત્રિવેદીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાતાં તેમનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો; બાદમાં જાણવા મળ્યું કે તેઓ કાર્યકરોને ચૂંટણી જીતવાના પાઠ ભણાવવામાં વ્યસ્ત હતા. પ્રદેશ સંગઠનના મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, “હું હમણાં જ સુરતથી પરત આવ્યો છું એટલે મને હાલમાં કશી ખબર નથી.” જ્યારે પ્રદેશ મીડિયા કો-ઓર્ડિનેટર ડૉ. કરણ બારોટે કબૂલાત કરતાં જણાવ્યું હતું કે, “એન્જલબેનનું નામ આમ તો જિલ્લા પંચાયતમાં આવે છે, પરંતુ મહાનગરપાલિકા હદના વોટર લિસ્ટમાં આવતું નથી. આથી અમે વોર્ડ-10માં હવે અન્ય ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારીશું.”
મનપામાં AAPનો મોટો ફજેતો:ટિકિટ આપ્યા બાદ ખબર પડી એન્જલ માસી મનપાના મતદાર જ નથી, છેલ્લી ઘડીએ પાર્ટી બેકફૂટ પર
📅 Published: September 24, 2026 |
📂 Category: gujarati-news
