હવામાન વિભાગ દ્વારા દેશના 17 જેટલા રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.જેમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના રાજ્યોમાં ખાસ ચેતવણી આપવામાં આવી છે.આ દરમિયાન 85 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની પૂરી શક્યતા છે.આ ઉપરાંત રાજસ્થાન અને હરિયાણામાં પણ ખરાબ હવામાનને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે.ત્યારે પાક અને સામાનના સંરક્ષણ માટે ખેડૂતોને ખાસ સાવચેત રહેવા હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. બીજી તર ગુજરાતમાં પણ હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.
ભાદરવા મહિનાએ સૌરાષ્ટ્રને જીવતદાન આપ્યું
અલનીનોને કારણે સૌરાષ્ટ્રમાં આ વખતે નહિવત વરસાદ પડ્યો છે અને કૃષિ પાકને ફટકો પડે તેવા અંધાણ મળી રહ્યા હતા.પરંતુ શ્રાવણ કરતાં ભાદરવા મહિનાએ સૌરાષ્ટ્રને જીવતદાન આપ્યું છે.માત્ર ભાદરવા મહિનાના શરૂઆતના 13 દિવસમાં જ સૌરાષ્ટ્રમાં સરેરાશ 14.9 % વરસાદ થયો ગયો છે.જેના કારણે સુકાઈ રહેલા કૃષિ પાકને નવજીવન મળ્યું છે.ભાદરવા મહિનામાં જિલ્લાવાર વરસાદની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ ભાવનગરમાં 22.42 ટકા, બોટાદમાં 20.2 ટકા, મોરબીમાં 19.75 ટકા, ગીર સોમનાથમાં 15.85 ટકા, સુરેન્દ્રનગરમાં 14.87 ટકા, રાજકોટમાં 14.6 ટકા, અમરેલીમાં 13.7 ટકા, પોરબંદરમાં 12.98 ટકા, જામનગરમાં 12.63 ટકા, જૂનાગઢમાં 11.87 ટકા અને દેવભૂમિ દ્વારકામાં 9.56 ટકા વરસાદ પડ્યો છે.
કૃષિ પાકને મોટો ફાયદો થયો
ભાદરવામાં સારો વરસાદ પડતા કૃષિ પાકને મોટો ફાયદો થયો છે એટલું જ નહીં સૌરાષ્ટ્રના જળાશયોમાં નવા પાણીની આવક થતા ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. ખાસ કરીને મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં 50 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે.જે રાહતના સમાચાર છે.સૌથી ચિંતાજનક સ્થિતિ 20 ટકાથી ઓછા વરસાદ વાળા માત્ર ત્રણ તાલુકામાં છે.જેમાં દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં માત્ર 7.86 ટકા, ખંભાળિયામાં 15.83 ટકા અને પોરબંદરમાં 19.18 ટકા જ વરસાદ વરસ્યો છે.બાકીના તમામ તાલુકામાં 50થી 80 ટકા વચ્ચે વરસાદ પડ્યો છે.
15 તાલુકામાં જ 100 ટકાથી વધુ વરસાદ પડ્યો
સૌરાષ્ટ્રના કુલ 81 તાલુકાઓમાંથી માત્ર 15 તાલુકામાં જ 100 ટકાથી વધુ વરસાદ પડ્યો છે.જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, દસાડા, લખતર અને સાયલા, મોરબી જિલ્લાના હળવદ, માળીયા મીયાણા અને વાંકાનેર, જૂનાગઢ જિલ્લાના કેશોદ અને માંગરોળ, અમરેલી જિલ્લાના રાજુલા, ભાવનગર જિલ્લાના ગારીયાધાર, મહુવા અને વલ્લભીપુર તેમજ બોટાદ જિલ્લાના બોટાદ અને બરવાળા તાલુકાનો સમાવેશ થાય છે. જ્યારે 50 ટકાથી ઓછા વરસાદ વાળા 16 તાલુકાઓ છે.જેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા અને વીંછીયા, મોરબી, જામનગર જિલ્લાના જામજોધપુર, જોડીયા, કાલાવડ અને લાલપુર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ અને દ્વારકા, પોરબંદર જિલ્લાના કુતિયાણા અને રાણાવાવ, જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, વંથલી અને વિસાવદર અને ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા અને તાલાલા તાલુકાનો સમાવેશ થાય છે.
