પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ ગુરુવારે સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટર પહોંચ્યા હતા. અહીં પત્રકારોએ તેમને લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદ અંગે સવાલ કર્યો, પરંતુ શહબાઝ સવાલોનો જવાબ આપ્યા વીના જ આગળ ચાલ્યા ગયા. સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટરમાં પ્રવેશતી વખતે પત્રકારોએ શહબાઝને પૂછ્યું, “વડાપ્રધાન, તમે આતંકવાદીઓને આશ્રય આપવાનું ક્યારે બંધ કરશો?” શહબાઝે આ સવાલનો કોઈ જવાબ આપ્યો નહીં. બહાર નીકળતી વખતે પત્રકારોએ ફરી પૂછ્યું કે પાકિસ્તાન હાફિઝ સઈદ વિરુદ્ધ કાર્યવાહી ક્યારે કરશે, પરંતુ શહબાઝે ફરી કોઈ જવાબ આપ્યો નહીં. આતંકી હાફિઝ અંગેના સવાલથી ભાગ્યા પાકિસ્તાનના PM શહબાઝ હાફિઝ સઈદ 26/11 કેસમાં આરોપી હાફિઝ સઈદ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)નો સ્થાપક છે. ભારતે તેને UAPA હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. તે 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના કેસમાં આરોપી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ એપ્રિલ 2025ના પહેલગામ આતંકવાદી હુમલાની તપાસમાં રજુ કરેલી પૂરક ચાર્જશીટમાં પણ સઈદને આરોપી બનાવ્યો છે. NIAએ તેને કથિત કાવતરામાં આરોપી નંબર 8 ગણાવ્યો છે અને પાકિસ્તાન સ્થિત LeTના આતંકવાદીઓની ભૂમિકા હોવાનો આરોપ લગાવ્યો છે. ભારતે કહ્યું- PAK આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતોને ઘર છોડવા મજબૂર કર્યા સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માં કાશ્મીર અને લઘુમતીઓને લઈને પાકિસ્તાનના નિવેદન પર ભારતે વળતો પ્રહાર કર્યો. ભારતીય રાજદ્વારી ક્ષિતિજ ત્યાગીએ કહ્યું કે પાકિસ્તાને જે આતંકવાદીઓને હથિયારો અને ટ્રેનિંગ આપી, એ જ લોકોએ 1990માં કાશ્મીરી પંડિતોને પોતાના ઘરો છોડવા માટે મજબૂર કર્યા. પાકિસ્તાને ભારતમાં કાશ્મીર અને લઘુમતીઓની સ્થિતિને લઈને સવાલ ઉઠાવ્યા હતા. ત્યાગીએ કહ્યું કે પાકિસ્તાને ભારત પર સવાલ ઉઠાવતાં પહેલાં પોતાના દેશની સ્થિતિ જોવી જોઈએ. ત્યાગીએ કહ્યું કે પાકિસ્તાને આતંકવાદીઓને હથિયારો અને ટ્રેનિંગ આપીને ભારત મોકલ્યા. તેમણે કહ્યું કે આ જ આતંકવાદીઓ બાદમાં કાશ્મીરમાં વિવિધ ધર્મોના લોકોને નિશાન બનાવતા રહ્યા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમો પણ સામેલ હતા. તેમણે કહ્યું કે જે પાકિસ્તાને આ આતંકવાદીઓને સમર્થન આપ્યું, એ જ હવે સંયુક્ત રાષ્ટ્રમાં માનવાધિકારોની વાત કરી રહ્યું છે. ભારતે પાકિસ્તાનના લઘુમતીઓનો મુદ્દો ઉઠાવ્યો ભારતે પાકિસ્તાનમાં હિન્દુ, શીખ અને ખ્રિસ્તી સમુદાયોની સ્થિતિનો પણ મુદ્દો ઉઠાવ્યો. ત્યાગીએ બળજબરીથી ધર્મ પરિવર્તન અને લગ્ન, ઈશનિંદા કાયદો તથા શિયા, અહમદિયા, ઇસ્માઇલી અને હજારા સમુદાયો વિરુદ્ધના ભેદભાવનો ઉલ્લેખ કર્યો. ત્યાગીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો હતો, છે અને રહેશે. તેમણે પાકિસ્તાનને જમ્મુ-કાશ્મીરના તેના કબજા હેઠળના હિસ્સાને ખાલી કરવા કહ્યું. સાથે જ તેમણે પાકિસ્તાનને તેની દેવામાં ડૂબેલી અર્થવ્યવસ્થા પર ધ્યાન આપવાની સલાહ આપી.
આતંકી હાફિઝ પર સવાલ કર્યો તો પાકિસ્તાની PM ભાગ્યા:UNમાં પત્રકારોએ પૂછ્યું, આતંકીઓને શરણ આપવાનું ક્યારે બંધ કરશો; શહબાઝે કોઈ જવાબ ન આપ્યો
📅 Published: September 25, 2026 |
📂 Category: International
