Amreli: હનુમાન ખીજડિયા ગામે 7 વર્ષના બાળક પર દીપડાનો હુમલો; પિતાએ રાડારાડ કરતાં બાળકને છોડી ભાગ્યો!

📅 Published: September 25, 2026 | 📂 Category: gujarati-news

અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના હનુમાન ખીજડિયા ગામે ધોળા દિવસે દીપડાના હુમલાની ચોંકાવનારી અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. અહીં ખેત મજૂરી કરતા રજાકભાઈનો 7 વર્ષનો માસૂમ પુત્ર છાયારામ કપાસના ખેતરમાં પોતાના પિતા સાથે રમી રહ્યો હતો. આ દરમિયાન કપાસના ઊંચા વાવેતરમાં છુપાયેલા દીપડાએ અચાનક ઝાડીઓમાંથી બહાર આવીને રમતા બાળક પર હિંસક હુમલો કરી દીધો હતો. દીપડાએ બાળકને પકડી લેતાં ખેતરમાં ભારે ચીસાચીસ મચી ગઈ હતી.

અમરેલીમાં દીપડાનો ધોળા દિવસે આતંક

દુર્ઘટના સમયે નજીકમાં જ હાજર બાળકના પિતાએ ભારે સમયસૂચકતા અને હિંમત દાખવી હતી. પિતાએ પુત્રને દીપડાના મોંમાં જોઈને તાત્કાલિક રાડારાડ કરી મોટેથી દેકારો બોલાવવાનું શરૂ કર્યું હતું. પિતાના આક્રોશ અને અવાજથી ગભરાઈને દીપડો માસૂમ બાળકને લોહીલુહાણ હાલતમાં છોડીને કપાસના વાવેતરમાં નાસી છૂટ્યો હતો. જોકે, હુમલાના કારણે બાળકના ચહેરા અને નાકના ભાગે દીપડાના તીક્ષ્ણ પંજા વાગતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

 7 વર્ષના માસૂમ બાળક પર દીપડાનો હુમલો

લોહીલુહાણ થયેલા 7 વર્ષના બાળક છાયારામને તાત્કાલિક સારવાર અર્થે વડીયાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાળકની નાજુક સ્થિતિને ધ્યાને રાખી વધુ સઘન સારવાર અર્થે જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ધોળા દિવસે સીમ વિસ્તારમાં બાળક પર દીપડાના હુમલાથી સ્થાનિક ખેડૂતો અને ખેત મજૂરોમાં ભારે ફાળ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગ્રામજનોએ વન વિભાગ દ્વારા તાત્કાલિક પાંજરું મૂકી હિંસક દીપડાને પાંજરે પૂરવાની કડક માંગ કરી છે.

આ પણ વાંચો: Surat: સુમુલ ડેરીમાં અઢી વર્ષની નવી ટર્મ માટે નવા સુકાનીઓની તાજપોશી; પૂર્વ મંત્રી કાંતિભાઈ ગામીત પ્રમુખ અને ભરતસિંહ બન્યા ઉપપ્રમુખ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *