એન્ટિગુઆ એન્ડ બાર્બુડા ફાલ્કન્સે 2026ની કેરેબિયન પ્રીમિયર લીગ (CPL)માં પહેલીવાર ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો છે. ટીમના કેપ્ટન મોઈન અલીએ આ સફળતા બાદ પોતાની કેપ્ટનશિપ પર એમએસ ધોનીની અસર વિશે વાત કરી છે. મોઈન અલી 2021થી 2024 સુધી CSK માટે રમ્યો હતો. આ દરમિયાન તેણે ધોનીની કેપ્ટનશિપ હેઠળ 2021 અને 2023માં IPL ટ્રોફી જીતી હતી. હવે મોઈને જણાવ્યું છે કે CSKમાં ધોની સાથે રમતી વખતે મળેલી કેટલીક શીખે CPLમાં ફાલ્કન્સની કેપ્ટનશિપ કરવાની તેની રીત બદલી નાખી.
કયા બોલરને ન બોલાવવો તે મહત્વનું
મોઈન અલીએ કહ્યું કે ધોની પાસેથી તેને T20 કેપ્ટનશિપની સૌથી મહત્વની શીખ બોલિંગમાં મળી. સામાન્ય રીતે કેપ્ટન એ વિચારતો હોય છે કે હવે કયા બોલરને બોલિંગ આપવી, પરંતુ ધોનીએ તેને પરિસ્થિતિ પ્રમાણે કયા બોલરને બોલિંગ ન આપવી તે વિચારવાનું શીખવ્યું. મોઈનના જણાવ્યા મુજબ, T20માં સામાન્ય રીતે 6 બોલિંગ વિકલ્પ હોય છે. તેથી દરેક સમયે કોણ બોલિંગ કરશે એ નક્કી કરવા કરતાં કઈ પરિસ્થિતિમાં કયો બોલર યોગ્ય નથી એ નક્કી કરવાથી કેપ્ટન પરનું દબાણ ઓછુ થાય છે. મોઈને કહ્યું કે આ રીતથી તેની કેપ્ટનશિપ અંગેની આખી વિચારસરણી બદલાઈ ગઈ.
દરેક ખેલાડીને એકસાથે રાખવાની શીખ
મોઈને ધોની પાસેથી બીજી મહત્વની વાત ટીમ મેનેજમેન્ટ અંગે શીખી. તેના જણાવ્યા પ્રમાણે ટીમમાં માત્ર મોટા નામ ધરાવતા ખેલાડીઓ હોવા કરતાં તમામ ખેલાડીઓને એક જ લક્ષ્ય માટે સાથે રાખવા વધુ મહત્વનું છે. CSKમાં અનુભવી અને યુવા ખેલાડીઓનું સારું મિશ્રણ હતું. મોઈને જણાવ્યું કે ટીમમાં ઘણી બધી મીટિંગો કરવામાં આવતી નહોતી. ખાસ કરીને બેટિંગ અંગેની ચર્ચા પ્રેક્ટિસ દરમિયાન જ કરવાની ધોનીની રીત હતી. મોઈનના જણાવ્યા પ્રમાણે, નેટ્સમાં પ્રેક્ટિસ કરતી વખતે બેટર્સ એકબીજા સાથે વાતચીત કરે તો ચર્ચા વધુ ઉપયોગી બને છે. અલગથી મીટિંગમાં બેસીને વાત કરવામાં આવે ત્યારે દરેકનું ધ્યાન એટલું રહેતું નથી.
ફાલ્કન્સે ફાઈનલમાં 8 વિકેટે જીત મેળવી
20 સપ્ટેમ્બરે બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલમાં CPL 2026ની ફાઈનલ રમાઈ હતી. જમૈકા કિંગ્સમેનની ટીમે પહેલા બેટિંગ કરીને 9 વિકેટે 170 રન બનાવ્યા હતા. માઝ સદાકતે 58 બોલમાં 114 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોકે, ફાલ્કન્સના સુફિયાન મોકીમે 4 ઓવરમાં માત્ર 14 રન આપી 4 વિકેટ ઝડપી હતી. તેના કારણે કિંગ્સમેનને 170 રન સુધી જ રોકી શકાયા.
ત્રીજી સિઝનમાં જ પહેલી CPL ટ્રોફી
170 રનના જવાબમાં ફાલ્કન્સે 16.4 ઓવરમાં 2 વિકેટે 173 રન બનાવીને 8 વિકેટે મેચ જીતી લીધી. અમીર જાંગૂએ અણનમ 57 અને હસન નવાઝે અણનમ 47 રન બનાવી ટીમને જીત સુધી પહોંચાડી. આ ફાલ્કન્સની CPLમાં પહેલી ટ્રોફી છે અને ટીમે માત્ર ત્રીજી સિઝનમાં જ આ સફળતા મેળવી છે. શાદાબ ખાનને સમગ્ર ટૂર્નામેન્ટમાં 132 રન અને 11 વિકેટના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો હતો. મોઈન અલી માટે આ ટ્રોફી માત્ર ટીમની જીત નથી, પરંતુ CSKમાં ધોની સાથે રમતી વખતે શીખેલી કેપ્ટનશિપની રીતને પોતાની રીતે અજમાવવાનું પરિણામ પણ છે.
