અમદાવાદના 24 હજાર કેમેરાના મોડેલને આખા ગુજરાતમાં લાગુ કરાશે:સોસાયટી-માર્કેટ બહાર CCTV લગાવવા પોલીસની અપીલ, રાજ્યમાં 3.88 લાખથી વધુ ખાનગી CCTV કાર્યરત

📅 Published: September 25, 2026 | 📂 Category: gujarati-news

રાજ્યમાં ગુનાખોરી અટકાવવા અને ગુનો બને ત્યારબાદ આરોપીઓ સુધી ઝડપથી પહોંચવા માટે CCTV નેટવર્કને વધુ મજબૂત બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે અમદાવાદમાં લોકભાગીદારીથી સફળ થયેલા CCTV મોડેલને સમગ્ર રાજ્યમાં વિસ્તારવા માટે તમામ શહેરોના પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને સૂચના આપી છે. સોસાયટીઓ, કોમર્શિયલ સંકુલો, વેપારી સંગઠનો અને જાહેર વિસ્તારોમાં નાગરિકોના સ્વૈચ્છિક સહયોગથી વધુમાં વધુ CCTV કેમેરા સ્થાપિત કરાવવા માટે બેઠકો અને સંવાદ યોજવા જણાવાયું છે. અમદાવાદમાં બે વર્ષમાં 24 હજારથી વધુ કેમેરા લાગ્યા
જ્ઞાનેન્દ્રસિંહ મલિક અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે વર્ષ 2024થી 2026 દરમિયાન નાગરિકો, વેપારી સંગઠનો અને વિવિધ એસોસિએશનોના સહયોગથી 24 હજારથી વધુ CCTV કેમેરા લગાવવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ આ નેટવર્કથી ખાસ કરીને ગુનાની તપાસ અને આરોપીઓની ઓળખ કરવામાં મદદ મળી હતી. અમદાવાદના આ લોકભાગીદારી મોડેલને હવે રાજ્યભરમાં અમલમાં મૂકવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. ગુજરાતમાં 3.88 લાખથી વધુ ખાનગી CCTV
હાલ રાજ્યમાં 3.88 લાખથી વધુ ખાનગી CCTV કેમેરા કાર્યરત છે. જોકે પોલીસના જણાવ્યા મુજબ આ પૈકી જાહેર માર્ગો, પાર્કિંગ વિસ્તારો તેમજ સોસાયટીના એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટને આવરી લેતા કેમેરાની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. તેથી હવે CCTV નેટવર્કને માત્ર મકાન કે દુકાનની અંદર પૂરતું મર્યાદિત ન રાખી બહારના મહત્વના વિસ્તારો સુધી વિસ્તૃત કરવા ભાર મૂકાયો છે. સોસાયટીના કેમેરા રોડ અને પાર્કિંગને પણ કવર કરે
પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે સોસાયટી કે કોમર્શિયલ પરિસરમાં CCTV લગાવતી વખતે કેમેરાનું એંગલ એવી રીતે રાખવામાં આવે કે મુખ્ય રોડ, પાર્કિંગ, એન્ટ્રી-એક્ઝિટ અને અવરજવરના મહત્વના પોઇન્ટ્સ પણ તેની નજરમાં આવે. આ પ્રકારના નેટવર્કથી ગુનો બને ત્યારે ઘટનાસ્થળથી આરોપીની હિલચાલ સુધીના CCTV ફૂટેજ મેળવવામાં પોલીસને મદદ મળી શકે છે. નાઇટ વિઝન અને 4 મેગાપિક્સલ કે તેથી વધુ કેમેરા પર ભાર
પોલીસે CCTV પસંદ કરતી વખતે નાઇટ વિઝન ક્ષમતા, 4 મેગાપિક્સલ કે તેથી વધુ રિઝોલ્યુશન અને પૂરતા સમયનો વીડિયો બેકઅપ ધરાવતા કેમેરાને પ્રાધાન્ય આપવા જણાવ્યું છે. ખાસ કરીને રાત્રિના સમયે સ્પષ્ટ ફૂટેજ મળી રહે તે માટે આધુનિક CCTVનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. પોલીસ અધિકારીઓ નાગરિકો સાથે બેઠક કરશે
આ અભિયાન અંતર્ગત પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને સ્થાનિક નાગરિકો, રહેવાસી સોસાયટીઓ, વેપારી મંડળો તથા એસોસિએશનો સાથે સંવાદ કરવા જણાવાયું છે. CCTV સ્થાપન માટે લોકો પર કોઈ ફરજિયાતી નહીં પરંતુ સ્વૈચ્છિક લોકભાગીદારી વધે તે રીતે વાતાવરણ ઊભું કરવા સૂચના અપાઈ છે. પોલીસ મહાનિરીક્ષકની નોડલ અધિકારી તરીકે નિયુક્ત
રાજ્યકક્ષાએ આ સમગ્ર જનજાગૃતિ અભિયાનના સંકલન અને અમલીકરણ માટે લૉ એન્ડ ઓર્ડર પોલીસ મહાનિરીક્ષકને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પોલીસના મતે જેટલું વ્યાપક અને સુવ્યવસ્થિત CCTV નેટવર્ક હશે, તેટલી જ ગુના નિવારણ અને ગુનાની તપાસમાં પોલીસને વધુ મદદ મળશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *