સુરતમાં ડોક્ટર અને ભાવનગરમાં પ્રોફેસરના આપઘાતનો મામલો:આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ વ્યક્ત કર્યું દુઃખ, ઉચ્ચસ્તરીય તપાસના આદેશ

📅 Published: September 25, 2026 | 📂 Category: gujarati-news

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એનાટોમી વિભાગના રેસિડેન્ટ ડોક્ટર અને ભાવનગરમાં એનાટોમી વિભાગના પ્રોફેસરના આપઘાત મામલે તબીબી જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે. સુરતમાં રેસિડેન્ટ ડૉક્ટરે અગમ્ય કારણોસર જીવન ટૂંકાવી લેતાં સમગ્ર હોસ્પિટલ કેમ્પસ અને પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. બંને બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય અને તટસ્થ તપાસના સ્પષ્ટ આદેશ આપ્યા છે. પરિવાર પર આભ તૂટી પડ્યું, પાછળ નાની દીકરી નોંધારી બની
ઘટના અંગે શોક વ્યક્ત કરતાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, આ ઘટના અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. દિવંગત તબીબના અકાળે અવસાનથી તેમના પત્ની, બાળકી અને સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેમણે દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું કે, ઈશ્વર પરિવારને આ અસહ્ય આઘાત સહન કરવાની શક્તિ આપે. પીએમ રિપોર્ટ બાદ સત્ય સામે આવશે
આરોગ્ય મંત્રીએ માહિતી આપતાં જણાવ્યું કે, મૃતક ડૉક્ટરનું નિયમાનુસાર પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ બનાવ આત્મહત્યાનો હોવાનું જણાઈ રહ્યું છે, પરંતુ ચોક્કસ કયા કારણોસર આ અંતિમ પગલું ભરવામાં આવ્યું તે અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તારણો આવ્યા બાદ જ સત્તાવાર રીતે સ્પષ્ટ થશે. રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ આગળની તમામ કાનૂની કાર્યવાહી હાથ ધરાશે. આરોગ્ય સચિવ અને ઉચ્ચ અધિકારીઓને તપાસની કમાન
આ ચકચારી કેસમાં રાજ્ય સરકારે ત્વરિત પગલાં ભરતાં તપાસ આરોગ્ય વિભાગને સોંપી દીધી છે. આરોગ્ય વિભાગના સચિવ, વરિષ્ઠ અધિકારીઓ તેમજ તબીબી નિષ્ણાતોની ટીમને ઘટનાના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક અને તટસ્થ તપાસ કરવા સૂચના આપી દેવામાં આવી છે. તમામ એંગલથી તપાસ થશે: શૈક્ષણિક તણાવ કે અંગત કારણ?
મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, એક તેજસ્વી ડૉક્ટરને આવું આત્યંતિક પગલું ભરવા પાછળ કયા પરિબળો જવાબદાર હતા—તેની પાછળ કોઈ માનસિક દબાણ હતું, શૈક્ષણિક/હોસ્પિટલ કામગીરીનો તણાવ હતો કે પછી કોઈ અંગત કારણ—તે તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. સરકાર આ સમગ્ર મામલાને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે અને તપાસમાં જે પણ તથ્યો સામે આવશે તેના આધારે યોગ્ય પગલાં લેવામાં આવશે. ભાવનગરમાં પ્રોફેસરનો આપઘાત
ભાવનગરમાં એનાટોમી વિભાગના પ્રોફેસરે આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. તેઓ પોતે એક ડૉક્ટર હતા અને પોતાના ફ્લેટમાં એકલા જ રહેતા હતા. તેમના આ અકાળે થયેલા અવસાનથી સમગ્ર તબીબી જગતમાં આઘાત ફેલાયો છે. આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવા માટે સચિવ કક્ષાએ તેમજ ઉચ્ચ સ્તરીય ટીમની રચના કરી તપાસ સોંપવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચું અને ચોક્કસ કારણ જાણી શકાશે કે તેમણે આ પગલું કેમ ભર્યું, અને તે આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *