ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા નાણાકીય ગેરરીતિઓ આચરનારાઓ સામે એક મોટો દંડો પછાડવામાં આવ્યો છે. કરોડો રૂપિયાના બેંક ફ્રોડ કેસમાં ઈડીએ આકરું વલણ અપનાવીને ‘સ્ટીલ કનેક્ટ ઈન્ડિયા’ (Steel Connect India) કંપની સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. ઈડીની આ સપાટાબંધ કામગીરીથી કોર્પોરેટ જગત અને આર્થિક ગુના આચરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
રૂ.79.56 કરોડનું જંગી કૌભાંડ અને દરોડા
સ્ટીલ કનેક્ટ ઈન્ડિયા કંપની અને તેના ડિરેક્ટરો સામે કુલ રૂ.79.56 કરોડનું મોટું બેંક કૌભાંડ આચરવાનો ગંભીર આક્ષેપ છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆર (FIR) ને આધારે ઈડીએ આ મામલે નાણાકીય ગેરરીતિઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સામે આવેલા પુરાવાઓને આધારે ઈડીએ કંપનીની રૂ.4.53 કરોડની કિંમતની વિવિધ સંપત્તિઓ ટાંચમાં લઈને સીઝ (જપ્ત) કરી લીધી છે.
લોનની રકમનો સટ્ટો અને નાણાકીય ગેરરીતિ
તપાસમાં બહાર આવ્યું છે કે કંપનીના ડિરેક્ટરોએ બેંકમાંથી મેળવેલી ક્રોસ-લોનની જંગી રકમનો ઉપયોગ જે હેતુ માટે લેવાઈ હતી તેમાં કરવાને બદલે મોટો સટ્ટો રમીને નાણાકીય હેરાફેરી કરી હતી. બેંકના નાણાંમાંથી બારોબાર રોકડ રકમ ઉપાડીને અન્ય વ્યક્તિગત અને બોગસ ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. હાલ ઈડી દ્વારા આ કૌભાંડમાં સામેલ અન્ય મદદગારો અને નાણાં ક્યાં ડાયવર્ટ કરાયા તે દિશામાં વધુ તપાસનો ધમધમાટ ચાલુ રાખવામાં આવ્યો છે.
