અમરેલી જિલ્લાના લીલીયા પંથક માટે માથાના દુખાવા સમાન બનેલા રેલવે ફાટક અંગેના જટિલ પ્રશ્નનો અંત આવ્યો છે. લાંબા સમયથી અટવાયેલા આ પ્રશ્નનું સફળ નિરાકરણ લાવીને લીલીયાના પુંજાપાદર ફાટક નંબર 42 સી પર અંડરપાસ મંજૂર કરવામાં આવ્યો છે.
સાંસદ અને ધારાસભ્યના હસ્તે ભૂમિપૂજન
આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટના શુભારંભાર્થે વિધિવત ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો. ક્ષેત્રના સાંસદ ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના વરદ હસ્તે અંડરપાસનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. અનેક વર્ષોથી અટવાયેલા આ જટિલ પ્રશ્નને ઉકેલવા બદલ સ્થાનિક અગ્રણીઓ દ્વારા નેતાઓનો આભાર માનવામાં આવ્યો હતો.
11 કરોડના ખર્ચે બનશે અંડરપાસ
પુંજાપાદર ફાટક નંબર 42 સી પર અંદાજે રૂપિયા 11 કરોડના મસમોટા ખર્ચે આ આધુનિક અંડરપાસનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ટ્રાફિકની સમસ્યા કાયમી ધોરણે હલ થઈ જશે.

ખેડૂતો અને વાહનચાલકોમાં ખુશીની લહેર
આ ફાટક બંધ રહેવાને કારણે ખેડૂતો, સામાન્ય વાહનચાલકો તેમજ ઈમરજન્સી સેવાઓ આપતી એમ્બ્યુલન્સની અવરજવરમાં ભારે અવરોધ સર્જાતો હતો. હવે અંડરપાસ મંજૂર થતાં અને કામ શરૂ થતાં સમગ્ર વિસ્તારના લોકોમાં ભારે હર્ષોલ્લાસની લાગણી ફેલાઈ ગઈ છે.
આ પણ વાંચો: Amreli News: બાબરાના મોટા દેવળિયા ચેકડેમમાં ડૂબી જવાથી 4 યુવકોના મોત
