Crime : 2 સાધ્વીની હત્યા અને લૂંટ કેસમાં 32 વર્ષથી પોલીસને ચકમો આપતો આરોપી આખરે ઝડપાયો

📅 Published: September 25, 2026 | 📂 Category: Crime

દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે 32 વર્ષથી ફરાર એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી લલિત 1994માં 2 સાધ્વીની હત્યા અને આશ્રમમાં લૂંટના કેસમાં વોન્ટેડ હતો. પોલીસના જણાવ્યા મુજબ તે લાંબા સમયથી પોતાનું ઠેકાણું અને કામ બદલતો રહી પોલીસથી બચતો હતો.

1994માં આશ્રમમાં થઈ હતી 2 સાધ્વીની હત્યા

પોલીસના જણાવ્યા અનુસાર 1994માં શાકરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક આધ્યાત્મિક આશ્રમમાં 2 સાધ્વીની ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ આશ્રમમાંથી રોકડ, દાગીના અને અન્ય કિંમતી સામાન લૂંટાયો હતો. પોલીસના દાવા મુજબ લલિત પણ આ કેસના મુખ્ય આરોપીઓમાં સામેલ હતો.

હત્યામાં મદદ અને લૂંટના માલમાં ભાગનો આરોપ

પોલીસના જણાવ્યા મુજબ લલિતે બંને સાધ્વીઓનું ગળું દબાવવામાં સાથ આપ્યો હતો અને લૂંટાયેલા માલમાંથી તેને પણ ભાગ મળ્યો હતો. આ કેસમાં સુનીલ કુમાર, દિલીપ રામ અને સુશીલની અગાઉ ધરપકડ થઈ ચૂકી હતી, જ્યારે લલિત ફરાર થઈ ગયો હતો. 26 ઓક્ટોબર 1995ના રોજ કોર્ટ દ્વારા તેને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો.

ક્યારેક ઘરનો નોકર તો ક્યારેક ફેક્ટરીમાં મજૂર

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે લલિત વર્ષ 2000 સુધી બિહારના અલગ-અલગ વિસ્તારોમાં કામ કરતો રહ્યો હતો. ત્યારબાદ તે દિલ્હી આવ્યો અને ઘરેલુ સહાયક તરીકે કામ કરતો હતો. બાદમાં તેણે અનેક ફેક્ટરીઓમાં પેકેજિંગ મજૂર તરીકે કામ કર્યું.

મંગોલપુરીની ફેક્ટરીમાંથી ઝડપાયો

ક્રાઇમ બ્રાન્ચની સેન્ટ્રલ રેન્જને માહિતી મળી હતી કે લલિત મંગોલપુરી ફેઝ-2 વિસ્તારમાં છે. ટીમે તેની ગતિવિધિઓની પુષ્ટિ કર્યા બાદ ફેક્ટરીમાં દરોડો પાડ્યો હતો અને તેને ઝડપી લીધો હતો. પોલીસે આધાર કાર્ડના આધારે તેની ઓળખની પણ ચકાસણી કરી હોવાનું જણાવ્યું છે.

આગળની તપાસ શાકરપુર પોલીસ કરશે

લલિતની ધરપકડની જાણ શાકરપુર પોલીસ સ્ટેશનને કરવામાં આવી છે. હવે 1994ના હત્યા અને લૂંટના કેસમાં તેની ભૂમિકા અંગે આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ કરવામાં આવી રહી છે. 

આ પણ વાંચો  :  Sandesh Indepth : શેષનના ‘બે ગધેડા’થી આજની અસંમતિ સુધી, ચૂંટણી પંચમાં વિવાદોની કહાની


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *