સુરતમાં બુલેટ ટ્રેનની સાઈટ પરથી 7.80 લાખના વાયર-સ્ટીલની ચોરી:ઇલેક્ટ્રિસિટી લાઇનમાં હાથફેરો કરનારા 3 શખસ મુદ્દામાલ સાથે ઝડપાયા, ભંગારની આડમાં ચોરી કરતા હતા

📅 Published: September 26, 2026 | 📂 Category: gujarati-news

દેશના મહત્ત્વાકાંક્ષી ‘બુલેટ ટ્રેન પ્રોજેક્ટ’ની કામગીરી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે આ સરકારી પ્રોજેક્ટની સાઇટ પરથી લાખો રૂપિયાના કિંમતી સામાનની ચોરીની ઘટના સામે આવી હતી. સુરત શહેરની સચીન પોલીસે આ મામલે તપાસ હાથ ધરી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને 3 આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. ઈલેક્ટ્રિસિટી લાઇનમાં કર્યો હતો હાથફેરો
પોલીસ સૂત્રો મુજબ, બુલેટ ટ્રેનની ઇલેક્ટ્રિસિટી લાઇન ઉભી કરવા સાઇટ ઉપર મુકવામાં આવેલા ગેલ્વેનાઇઝ સ્ટીલ, કિંમતી કોપર વાયર અને કેન્ટીલીવર મળીને કુલ ₹ 7,80,781ની મત્તાનો સામાન ચોરાયો હતો. રાત્રિના અંધારાનો લાભ લઈ તસ્કરો આ ભારેખમ સામાન ચોરી ગયા હતા. સચીન પોલીસ સ્ટેશનમાં આ અંગે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ- 303(2), 324(3), 54 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. બાતમીના આધારે તપાસ કરતા ચોરીનો મુદ્દામાલ મળ્યો
આ અનડિટેક્ટ ગુનાને ઉકેલવા સચીન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, સચીન પારડી વિસ્તારના અંબિકાનગરમાં ભંગારનો વેપાર કરતા કેટલાક શખ્સો પાસે બુલેટ ટ્રેનનો શંકાસ્પદ સામાન છુપાવેલો છે. પોલીસે અંબિકાનગર ખાતે છાપો મારીને તપાસ કરતા ત્યાંથી ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ મળી આવ્યો હતો. ભંગારના ધંધાની આડમાં ચોરી કરતી ત્રિપુટી
પોલીસે સ્થળ પરથી (1) બબલુ ગપ્પુસિંહ નિશાદ (ઉ.વ. 32), (2) ભુપિ નિહાલસિંહ નિશાદ (ઉ.વ. 30) અને (3) અજીત લાખનસિંગ નિશાદ (ઉ.વ. 26) ની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓ મૂળ પરપ્રાંતીય છે અને સચીન પારડીના અંબિકાનગરમાં રૂમ ભાડે રાખીને ભંગાર લે-વેચનો ધંધો કરતા હતા. હાલ પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓના રિમાન્ડ મેળવવાની અને અગાઉ અન્ય કોઈ સરકારી પ્રોજેક્ટમાં ચોરી કરી છે કે કેમ તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *