Surat News : દિવાળી વેકેશનમાં રત્નકલાકારોને મળશે રાહત? ST બસોમાં સવાયાને બદલે સિંગલ ભાડું વસૂલવા SDA ની માંગ

📅 Published: September 26, 2026 | 📂 Category: Surat

દિવાળીના તહેવારોમાં સુરતથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને અન્ય વિસ્તારો તરફ જતા લાખો રત્નકલાકારો તેમજ શ્રમિકો માટે સુરત ડાયમંડ એસોસિએશન (SDA) આગળ આવ્યું છે. એસોસિએશને રાજ્યના વાહન વ્યવહાર મંત્રી અને એસટી નિગમ (GSRTC) ને એક મહત્ત્વનો પત્ર લખીને દિવાળી વેકેશન દરમિયાન દોડાવવામાં આવતી એક્સ્ટ્રા એસટી બસોમાં સવાયા ભાડાને બદલે સામાન્ય સિંગલ ભાડું વસૂલવા માટે ભારપૂર્વક માંગ કરી છે.

ખાનગી બસોની લૂંટ સામે એસટી બસો આધાર

દર વર્ષે દિવાળીના સમયે ખાનગી બસ સંચાલકો મુસાફરો પાસેથી બમણા અને તીવ્ર ઊંચા ભાડાં વસૂલીને ખુલ્લેઆમ લૂંટ ચલાવતા હોય છે. આ પરિસ્થિતિમાં સામાન્ય અને મધ્યમ વર્ગના મુસાફરો માટે એસટી વિભાગની બસો જ એકમાત્ર મોટો આશરો બનતી હોય છે. જોકે, અત્યાર સુધી એસટી વિભાગ દ્વારા પણ દિવાળીના ધસારાને પહોંચી વળવા મૂકવામાં આવતી સ્પેશિયલ એક્સ્ટ્રા બસોમાં નિયમિત ભાડા કરતાં સવાયું (1.25 ગણું) ભાડું વસૂલવામાં આવતું હતું, જેના કારણે મુસાફરો પર વધારાનો આર્થિક બોજ પડતો હતો.

સામાન્ય રત્નકલાકારો અને શ્રમિકોને રાહત આપવા સિંગલ ભાડું રાખવાની માંગ

ડાયમંડ એસોસિએશને પત્રમાં સ્પષ્ટતા કરી છે કે સુરતમાં લાખો રત્નકલાકારો અને શ્રમિક પરિવાર રહે છે જેઓ વર્ષમાં એકવાર દિવાળી વેકેશનમાં પોતાના વતને જતા હોય છે. જો સરકાર એક્સ્ટ્રા બસોમાં સવાયા ભાડાની પ્રથા નાબૂદ કરીને સિંગલ (સામાન્ય) ભાડું વસૂલવાનો નિર્ણય લેશે, તો લાખો લોકોને સીધો આર્થિક ફાયદો થશે. એસોસિએશને આશા વ્યક્ત કરી છે કે સરકાર લોકહિતમાં સત્વરે સકારાત્મક લઈને દિવાળીની મુસાફરી વધુ સરળ અને સસ્તી બનાવશે.

આ પણ વાંચો : UPI ચાર્જીસ સામે ગુજરાતભરના વેપારીઓમાં ભારે રોષ, CAIT દ્વારા ઉગ્ર આંદોલનની ચેતવણી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *