Surat: વ્યાજખોરોની દાદાગીરી, જમીન દલાલને ઢોર માર મારનાર 3 વ્યાજખોરોની ધરપકડ, પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

📅 Published: September 26, 2026 | 📂 Category: Crime

સુરતના મોટા વરાછા વિસ્તારમાં ઉછીના લીધેલા નાણાંની ઉઘરાણી મુદ્દે જમીન દલાલ પર થયેલા હુમલા કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. આ મામલે ઉતરાણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપી વ્યાજખોર તારક કોશિયા, મૌલિક ચૌહાણ અને માનવ કોશિયાની ધરપકડ કરી લીધી છે. એટલું જ નહીં, પોલીસે ત્રણેય આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું સીન રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું, જેથી કેસમાં મજબૂત પુરાવા એકઠા કરી શકાય.

જમીન દલાલે 3 લાખ લીધા હતા

મળતી માહિતી મુજબ, ઉતરાણ વિસ્તારમાં રહેતા જમીન દલાલ કેતનભાઈ વાઘાણીએ તારક કોશિયા પાસેથી 3,00,000 રુપિયા ઉછીના લીધા હતા. કેતનભાઈએ તેમાંથી 1,50,000 રુપિયા ચૂકવી દીધા હતા અને બાકીના નાણાં માટે થોડો સમય માંગ્યો હતો. 

નાણાંની પતાવટ મુદ્દે બોલાવાયા

જોકે, નાણાંની પતાવટ મુદ્દે ફરિયાદીને મોટા વરાછા, અબ્રામા રોડ પર આવેલા ‘શાંતિનિકેતન ફ્લોરા’ સ્થિત ‘આર્યા એક્સપોર્ટ’ની ઓફિસે બોલાવવામાં આવ્યા હતા.

મોઢા અને પેટના ભાગે ઢીકા-પાટુનો ઢોર માર માર્યો

ઓફિસમાં હાજર અજાણ્યા શખ્સો તથા આરોપીઓએ કેતનભાઈ સાથે ગાળાગાળી કરી ક્રીમ કલરના ટી-શર્ટ પહેરેલા શખ્સ સહિતના લોકોએ મોઢા અને પેટના ભાગે ઢીકા-પાટુનો ઢોર માર માર્યો હતો. તાત્કાલિક હિસાબ નહીં પતાવે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ કેતનભાઈની ફરિયાદના આધારે ઉતરાણ પોલીસે કાયદેસરનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આગળની તપાસ ચાલુ રાખી છે. 

આ પણ વાંચો   :   Sandesh Digital Explainer : સ્કૂલ બેગ નહીં તો કોણ? બાળકોની પીઠના દુખાવાનું રહસ્ય તમને ચોંકાવશે!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *