રાજ્યમાં કાગળ પરની દારૂબંધી વચ્ચે આણંદ શહેરમાં કાયદા અને પોલીસ પ્રશાસનની આબરૂના ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા જાહેર માર્ગ પર ધોળા દિવસે ખુલ્લેઆમ બિયર પીતા બે શખ્સોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ખળભળાટ મચી ગયો છે. દારૂબંધીના કડક અમલના તંત્રના દાવાઓ વચ્ચે આ વિડીયોએ આણંદ પોલીસની પેટ્રોલીંગ અને કામગીરી સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે.
બાળકની હાજરીમાં માણી બિયરની મહેફિલ
સામે આવેલા વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે, આણંદના 80 ફૂટ રોડ જેવા ધમધમતા જાહેર માર્ગ પર બે શખ્સો બાઈક પર બેસીને ખુલ્લેઆમ બિયર પી રહ્યા છે. આ શખ્સોના હાથમાં બિયરનું ટીન અને પાસે રહેલી થેલીમાં પણ અન્ય બિયરના ટીન સ્પષ્ટપણે નજરે પડી રહ્યા છે. સૌથી શરમજનક બાબત તો એ છે કે, બાઈક પર એક નાનું બાળક પણ હાજર હતું, જેની હાજરી વચ્ચે આ શખ્સોએ કોઈ પણ ડર વગર ધોળા દિવસે બિયરની મહેફિલ માણી હતી.
પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો
જાહેર રોડ પર કોઈ પણ જાતના ડર વગર બિયર ગટકાવતા આ શખ્સોનો વિડીયો કોઈ વાહનચાલકે કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. વિડીયો વાયરલ થતાં જ સ્થાનિકો અને નાગરિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે જો રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ છે તો આણંદમાં આટલી આસાનીથી દારૂ અને બિયર ક્યાંથી ઘૂસી રહ્યા છે? આણંદ પોલીસ અને સ્થાનિક પ્રશાસનની નિષ્ક્રિયતા સામે લોકમુખે અનેક ચર્ચા જાગી છે, ત્યારે હવે પોલીસ વાયરલ વિડીયોના આધારે આ શખ્સો સામે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
