World Cup 2027 : ભારતીય ક્રિકેટના ભરોસાપાત્ર બેટ્સમેન વિરાટ કોહલીએ 2027ના વનડે વર્લ્ડ કપને લઈને મોટું નિવેદન આપ્યું છે. કોહલીએ સ્પષ્ટ કર્યું છે કે દક્ષિણ આફ્રિકામાં યોજાનારો 2027નો ICC ક્રિકેટ વર્લ્ડ કપ ભારત તરફથી તેમનો છેલ્લો વનડે વર્લ્ડ કપ હશે. Jiostarને આપેલા એક ઈન્ટરવ્યૂમાં વિરાટ કોહલીએ 50 ઓવરના વર્લ્ડ કપની બાબતો વિશે વાત કરી. તેમણે કહ્યું કે ભારત તરફથી રમવાનો આ તેમનો છેલ્લો વર્લ્ડ કપ હશે. અને આ જ મારી સૌથી મોટી પ્રેરણા છે કે મેદાન પર પોતાનું બધું જ આપવા અને 100 ટકા પ્રદર્શન કરવું.
10 મેચ સુધી સતત શાનદાર પ્રદર્શન પડકારજનક
વિરાટ કોહલીએ 50 ઓવરના ફોર્મેટની મુશ્કેલી વિશે પણ વાત કરી. તેમણે સમજાવ્યું કે મોટી ટુર્નામેન્ટમાં સતત 10 મેચ સુધી શારીરિક અને માનસિક સ્તર જાળવી રાખવું ખૂબ થકવી નાખનારું હોય છે. ખાસ કરીને જ્યારે ટીમ વિદેશી પરિસ્થિતિમાં રમતી હોય ત્યારે આ પડકાર વધુ મોટો બને છે.
વર્લ્ડ કપમાં કોહલીનો શાનદાર રેકોર્ડ
વિરાટ કોહલીનો વર્લ્ડ કપ રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેમણે વર્લ્ડ કપની 37 મેચમાં લગભગ 59.83ની સરેરાશથી 1,795 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમના નામે 5 સદી અને 12 અડધી સદી છે. વિરાટ કોહલીની કુલ વનડે કારકિર્દીની વાત કરીએ તો તેમણે અત્યાર સુધી 302 ઇનિંગ્સમાં 14,941 રન બનાવ્યા છે. તેમના નામે વનડેમાં 54 સદી પણ નોંધાયેલી છે.
રોહિત શર્માએ પણ ભવિષ્ય અંગે વાત કરી
બીજી તરફ પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ પોતાના ભવિષ્ય અને વર્લ્ડ કપને લઈને વાત કરી હતી. રોહિતે કહ્યું કે તેમના મનમાં ક્યારેય એવો વિચાર આવતો નથી કે તેમની ક્રિકેટની સફર પૂરી થઈ ગઈ છે. તેમના કહેવા પ્રમાણે, જ્યાં સુધી તમે ક્રિકેટ રમો છો ત્યાં સુધી તમારી સામે હંમેશા કોઈને કોઈ નવો પડકાર હોય છે.
વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સિરીઝથી 2027ની તૈયારી શરૂ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રવિવારથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થઈ રહી છે. આ સિરીઝ સાથે જ 2027ના વર્લ્ડ કપની તૈયારીનો તબક્કો પણ શરૂ થઈ રહ્યો છે. આ વર્લ્ડ કપ માટે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓ પર પણ નજર રહેશે.
આ પણ વાંચો: આવતીકાલે પ્રથમ ટક્કર, જાણો મેચની તારીખ સમય અને લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે ?
