પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પોલીસ ચેકપોઈન્ટ પર થયેલા વિસ્ફોટમાં 11 લોકોના મોત થયા છે. ‘તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન’ (TTP) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. મૃતકોમાં 8 પુરુષો, 2 મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોલીસ અધિકારીઓ સહિત અન્ય 20 લોકો ઘાયલ થયા છે. જે ચેકપોઈન્ટ પર વિસ્ફોટ થયો હતો તેનો ઉપયોગ પોલીસ દ્વારા ડી.આઈ. ખાન-ક્વેટા માર્ગ પર સુરક્ષા અને તપાસ માટે કરવામાં આવે છે.
મળતી માહિતી અનુસાર આ વિસ્ફોટ ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનની સરહદ નજીક ડેરા ઈસ્માઈલ ખાનના દરાઝિંડા વિસ્તારમાં આવેલા ‘અમાન મેલા’ પોલીસ ચેકપોઈન્ટ પર થયો હતો. ઘાયલોમાં પોલીસ કર્મચારીઓ, કસ્ટમ્સ અધિકારીઓ અને બે નાગરિકોનો સમાવેશ થાય છે. વિસ્ફોટ બાદ તરત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને બચાવ ટીમોએ કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઘટના બાદ વિસ્ફોટનું કારણ જાણવા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.
ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં અનેક વિસ્ફોટો
ખૈબર પખ્તુનખ્વાના ગવર્નર ફૈઝલ કરીમ કુંડીએ આ હુમલાની ગંભીર નોંધ લીધી છે અને વરિષ્ઠ અધિકારીઓ પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે. તેમણે ઘાયલોને તમામ શક્ય તબીબી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે. તાજેતરના મહિનાઓમાં ખૈબર પખ્તુનખ્વાએ આવા અનેક હુમલા જોયા છે, જેમાં સુરક્ષા દળો અને પોલીસને વારંવાર નિશાન બનાવવામાં આવ્યા છે. ‘પાકિસ્તાન ઈન્સ્ટિટ્યૂટ ફોર કોન્ફ્લિક્ટ એન્ડ સિક્યુરિટી સ્ટડીઝ’ (PICSS) ના ડેટા અનુસાર, માત્ર ઓગસ્ટ મહિનામાં જ આ વિસ્તારમાં આવી 54 ઘટનાઓ નોંધાઈ હતી. વહીવટીતંત્રે આ વિસ્તારમાં આતંકવાદ વિરોધી કામગીરી તેજ કરી છે.
એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ મહિનાની શરૂઆતમાં પોલીસે ડેરા ઈસ્માઈલ ખાનના દરાબા વિસ્તારમાં TTPના હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો, જેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે, 18 સપ્ટેમ્બરે કોહાટમાં જૂની પોલીસ લાઈન્સ પર થયેલા મોટા હુમલામાં 23 લોકોના મોત થયા હતા અને લગભગ 100 લોકો ઘાયલ થયા હતા. આ હુમલાઓના જવાબમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા હતા.
આ પણ વાંચો: Odisha: લો બોલો… સ્કુલના પુસ્તકોમાં મળી અઢળક ભૂલો, સરકારે છપાવવા માટે કર્યા હતા કરોડો રૂપિયા ખર્ચ
