દાહોદ જિલ્લાના સંજેલી નગર ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સામાજિક દ્રષ્ટિએ મહત્વનું સ્થાન ધરાવે છે. જેનો ઈતિહાસ પણ ઘણો પ્રાચીન છે. ગુપ્તાકાળના તામ્રપત્રો, મધ્યકાલીન રાજપૂત શાસન અને દેશી રજવાડાની પરંપરા સંજેલીના પ્રાચીન અને સમૃદ્ધ ઇતિહાસના સાક્ષી છે. વર્તમાન સંજેલી નગરની સ્થાપનાને 200 વર્ષ પૂર્ણ થવાનો પ્રસંગ સમગ્ર વિસ્તાર માટે ગૌરવની ક્ષણ છે.
સ્થાનિક દંતકથાઓ, ઉપલબ્ધ જુના દસ્તાવેજોના આધારે વર્તમાન સંજેલી નગરની સ્થાપના ઝાડી રાજા અને પૂછડિયા રાજા તરીકે ઓળખાતાં મહારાજા જગતસિંહજીએ ઈ.સ. 1826માં કરી હતી. જે પહેલાં આ રજવાડાની રાજધાની રાજપુર જે હાલમાં વર્તમાનમાં સિંગવડ તાલુકાના કેસરપુર તરીકે ઓળખાય છે, ત્યાં હતી. જ્યાં બારીયાના રાવળ સાહેબ દ્વારા સંજેલીનાં રાજા સાહેબને છળથી પરાસ્ત કર્યા બાદ અણીકા મુકામે રાજધાની સ્થાપવામાં આવી હતી. જે બાદ બ્રિટીશકાળમાં જગતસિંહજીએ વર્તમાન સંજેલીની ઈ.સ.1826માં સ્થાપના કરી દરબાર ગઢ સંકુલ બનાવવાની શરૂઆત કરી હતી. આથી ઈ.સ. 2026માં સંજેલી નગરની દ્વિશતાબ્દી પૂર્ણ થઈ રહી છે.
