નોન-બાસમતી પ્રિમિયમ રાઇસના ભાવમાં હાલમાં પાછલા વર્ષના સમાન ગાળાની તુલનાએ આશરે 10થી 25 ટકાનો વધારો નોંધાયો છે. વાવેતરનો વિસ્તાર ઘટતા અને વરસાદમાં ઘટને કારણે ખાસ કરીને દેશના દક્ષિણ ભાગમાં ભાવમાં આવો ઉછાળો જોવા મળ્યો છે. દક્ષિણ ભારતમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા સોના મસુરી નામના ચોખાના ભાવ પાછલા વર્ષની તુલનાએ 25 ટકા વધીને પ્રતિ કિલોએ રૂ. 58ના સ્તરે પહોંચ્યા છે, જેનો ભાવ એક વર્ષ પહેલા આ જ સમયે પ્રતિ કિલો રૂ. 44 હતો. બીજી તરફ ઉત્તર ભારતમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા સવર્ણ પેરબોઇલ્ડ ચોખાનો ભાવ આવી જ રીતે 10 ટકા વધીને પ્રતિ કિલો રૂ. 35 થયો છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ ચોખાના ભાવમાં જોવા મળેલા આવા વધારા માટે મોટા ભાગે હવામાન સંબંધિત ચિંતાઓ જવાબદાર છે. દક્ષિણ ભારતમાં વરસાદની ઘટને કારણે ડેમમાં જળસ્તર ઓછું છે. બિહારમાં પુરને લીધે અને ઉત્તર ભારતમાં વરસાદની ઘટને કારણે પણ ચોખાનું ઉત્પાદન ઓછું થાય એવી ભીતિ ઊભી થઇ છે. હવે આગામી સમયગાળામાં ચોખાના ભાવ કેવા રહેશે તે બાબત રવિ સિઝનમાં કેવુ ઉત્પાદન થવાના સંજોગો સર્જાય છે તેની પર નિર્ભર કરે છે. દરમિયાન કેન્દ્ર સરકારના ગ્રાહકોની બાબતોના મંત્રાલયના આંકડા મુજબ ચોખાના એકદંર રિટેલ ભાવ વાર્ષિક ધોરણે 7 ટકા જેટલા વધીને હાલમાં પ્રતિ કિલો રૂ. 46.44ની સપાટીએ છે. જોકે ટ્રેડર્સ અને નિકાસકારો જણાવે છે કે નોન-બાસમતી રાઇસના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
હાલની ખરીફ સિઝનમાં ડાંગરના વાવેતરનો વિસ્તાર પાછલા વર્ષના સમાન ગાળાની તુલનાએ 3.7 ટકા ઘટીને 42.92 મિલિયન હેક્ટર થયો છે. દક્ષિણ ભારતમાં વરસાદની ઘટ આશરે 26 ટકા જેટલી છે, આના કારણે ચોખાના ઉત્પાદન પર વિપરીત અસર થઇ શકે છે. ખેતબજારોમાં બાસમતી ચોખાની આવક હાલમાં શરૂ થઇ ગઇ છે અને આ ચોખાના મંડીના ભાવ હાલમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 4,000ના સ્તરે છે, જે પાછલા વર્ષની તુલનાએ 30 ટકાનો વધારો દર્શાવે છે.
