અમદાવાદ શહેરના પૂર્વ ઝોનમાં આવેલા અતિ પ્રાચીન એવા હાથીજણ ગામના જૂના તળાવના સૌંદર્યીકરણ અને ડેવલોપમેન્ટની કામગીરી તંત્રની લાલિયાવાડી અને એસ્ટેટ ખાતાની બેદરકારીના કારણે અટકી પડી છે. કલેક્ટર તંત્ર દ્વારા આ તળાવની તમામ જમીન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સત્તાવાર રીતે ફાળવી દેવામાં આવી હોવા છતાં, પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર ન કરાતાં ડેવલોપમેન્ટનું કામ અડધુંઅધૂરું રઝળી પડયું છે.
મળતી માહિતી મુજબ, હાથીજણ ગામના ઐતિહાસિક તળાવનો પુનરુદ્ધાર કરી તેને નયનરમ્ય બનાવવા માટે તંત્ર દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. આ માટે જરૂરી તમામ જમીન કલેક્ટર કચેરી દ્વારા એએમસીને સુપ્રત કરી દેવાઈ છે. આમ છતાં, હાલ માત્ર અડધી જ જમીન પર જ ડેવલોપમેન્ટની કામગીરી કરવામાં આવી રહી છે, જ્યારે બાકીની અડધી જમીન પર તળાવ કાંઠે ખડકાઈ ગયેલા કાચા-પાકા ગેરકાયદેસર દબાણો યથાવત છે.
સ્થાનિકોનું કહેવું છે કે પૂર્વ ઝોનનું એસ્ટેટ ખાતું આ દબાણો હટાવવામાં કોઈ પણ જાતનો રસ દાખવી રહ્યું નથી. વારંવાર રજૂઆતો અને લેખિત વાંધાઓ ઉઠાવવા છતાં એસ્ટેટ વિભાગના અધિકારીઓ આળસ મરડીને બેઠા છે, જેના કારણે કરોડોના ખર્ચે આકાર પામનારું તળાવનું કામ અધવચ્ચે અટકી ગયું છે.દબાણોના કારણે માત્ર તળાવનું કામ જ નથી રોકાયું, પરંતુ આસપાસના વિસ્તારમાં ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. સ્થાનિક રહીશોએ ભારે આક્રોશ વ્યક્ત કરતા માંગણી કરી છે કે એએમસીના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક આ બાબતે હસ્તક્ષેપ કરે અને પૂર્વ ઝોન એસ્ટેટ ખાતા પાસે કડક હાથે તમામ દબાણો દૂર કરાવી તળાવનું પૂર્ણ કામ ઝડપથી શરૂ કરાવે. જો આગામી દિવસોમાં કામગીરી શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ગ્રામજનો દ્વારા આપવામાં આવી છે.
