ગાંધીનગર મનપાની ચૂંટણી જાહેર થતા જ ભાજપ, કોંગ્રેસ અને AAP એ પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે, ત્યારે સોશિયલ મીડિયા પર છેલ્લા એક મહિનાથી પ્રચાર-પ્રસાર કરતો એક યુવક ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ભાજપનો ગઢ ગણાતા વોર્ડ-9માં 32 વર્ષીય ધ્રુવ પટેલે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે. ગુજરાતીથી લઈ હોલિવૂડ ફિલ્મમાં કામ કરનાર તેમજ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ધ્રુવ પટેલની એન્ટ્રીથી ગાંધીનગરના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કરે ભાજપ સામે મેદાને પડેલા કોંગ્રેસના ધ્રુવ પટેલ અને ફેનિલ પટેલ તેમજ AAPના ઉમેદવાર હાર્દિક તલાટી સાથે વાતચીત કરી હતી. ધ્રુવ પટેલ પર્ફોમિંગ આર્ટ્સમાં માસ્ટર્સ અને વ્યવસાયે એક્ટર
સૌથી પહેલાં કોંગ્રેસ ઉમેદવાર ધ્રુવ પટેલની વાત કરીએ તો કુડાસણની ઈન્દ્રધનુષ સોસાયટીમાં રહેતા ધ્રુવ પટેલનો પરિવાર શિક્ષિત અને સરકારી સેવાઓ સાથે જોડાયેલો છે. તેમના પિતા સીતારામ પટેલ GEB માંથી એન્જિનિયર તરીકે નિવૃત્ત થયા છે, જ્યારે માતા દક્ષાબેન ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી સરકારી નોકરી પૂર્ણ કરી નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. ધ્રુવ પટેલની પત્ની પૂજાએ B.Tech સુધીનો અભ્યાસ કર્યો છે. ધ્રુવ પોતે પર્ફોમિંગ આર્ટ્સમાં માસ્ટર્સની ડિગ્રી ધરાવે છે અને વ્યવસાયે એક્ટર, સોશિયલ એક્ટિવિસ્ટ તેમજ એનિમલ વેલ્ફેર એક્ટિવિસ્ટ છે. ધ્રુવ પટેલે ગુજરાતીથી લઈ હોલિવૂડ ફિલ્મમાં કામ કર્યું
સોશિયલ મીડિયા પર ધ્રુવ પટેલના બે લાખથી વધુ ફોલોઅર્સ છે. અભિનય ક્ષેત્રે પણ ધ્રુવે પોતાની ઓળખ બનાવી છે. તેણે હોલિવૂડ ફિલ્મ ‘એક્સટ્રેકશન’માં રણદીપ હુડ્ડાના બોડીગાર્ડનો રોલ કર્યો હતો અને અનુપમ ખેરની જાણીતી ઈન્સ્ટિટ્યૂટમાં પણ પરફોર્મ કર્યું હતું. આ ઉપરાંત વર્ષ 2007માં અભિનેતા હિરેનકુમાર સાથે ગુજરાતી ફિલ્મ ‘સ્નેહના સગપણ’માં પણ તે લીડ રોલમાં જોવા મળ્યો હતો. ભાજપ નેતા કે કાર્યકર્તા ખુલીને પોતાનો મત રજૂ નથી કરી શકતા: ધ્રુવ પટેલ
રાજકારણમાં પ્રવેશ અને ભાજપના બદલે કોંગ્રેસ પસંદ કરવા અંગે વાત કરતા ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે, 32 વર્ષની ઉંમરમાં તેમણે અત્યાર સુધી ભાજપનું શાસન જોયું છે. ત્રણ વખત મતદાર કરી ચૂકેલા ધ્રુવનું માનવું છે કે, ચૂંટણી વખતે મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા સાવ અલગ હોય છે. લોકો તો ઠીક ભાજપના પોતાના નેતાઓ કે કાર્યકર્તાઓ પણ ખુલીને પોતાનો મત રજૂ કરી શકતા નથી. SIRના નામે લોકોનો મતાધિકાર છીનવાઈ જતો હોય તો પણ લાચારીને કારણે કોઈ બોલી શકતું નથી. ‘પાટીદારોએ માનસિક ગુલામીમાંથી બહાર આવવું જોઇએ’
ધ્રુવના મતે કોંગ્રેસમાં વિચારસરણીની આઝાદી અને વિરોધ નોંધાવવાની સ્વતંત્રતા છે. પાટીદાર આંદોલન સમયેની સ્થિતિનો ઉલ્લેખ કરતા તેઓ કહે છે કે, છેલ્લા 30 વર્ષથી ચાલતા એકહથ્થુ શાસનમાંથી જનતાએ અને ખાસ કરીને પાટીદાર સમાજે હવે માનસિક ગુલામીમાંથી બહાર આવવું જોઇએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ કરતા હ્યુમન ડેવલપમેન્ટ અને શિક્ષણના સ્તરને ઊંચું લાવવું વધુ જરૂરી છે. ‘પાટીદારોનો ઝુકાવ ભાજપ તરફ રહ્યો, પરંતુ હવે બદલાવ અનિવાર્ય છે’
વધુમાં તેમણે ઉમેર્યું કે, જાતિવાદ અને કોમવાદના રાજકારણને હવે વિરામ આપવો જોઇએ. પોતાની પેઢીના યુવાનોને સંદેશ આપતા ધ્રુવ પટેલે કહ્યું કે, પાટીદાર સમાજનો ઝુકાવ ભાજપ તરફ રહ્યો છે, પરંતુ હવે બદલાવ અનિવાર્ય છે. ‘ધ્રુવ નોકરીને બદલે સો.મીડિયા કન્ટેન્ટથી કમાણી કરે છે’: પૂજા પટેલ
ધ્રુવ પટેલના આ નિર્ણયમાં તેમનો પરિવાર પણ સંપૂર્ણપણે સાથે છે. તેમના પત્ની પૂજાએ જણાવ્યું હતું કે, તેમના ઘરમાં વિચારોની અને નિર્ણયો લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. ધ્રુવ નોકરી કરવાને બદલે સોશિયલ મીડિયા કન્ટેન્ટ દ્વારા કમાણી કરે છે અને સ્ટ્રીટ ડોગ્સ પ્રત્યે પણ ખાસ લગાવ ધરાવે છે. તેમના ઘરે બે સ્ટ્રીટ ડોગ્સ પરિવારના સભ્યની જેમ રહે છે. ધ્રુવ એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયામાં રિપ્રેઝન્ટેટિવ પણ રહી ચૂક્યા છે. ‘ભાજપ તો રિમોટ કંટ્રોલ સરકાર છે’: ફેનિલ પટેલ
વોર્ડ-7માંથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડનાર MBA થયેલા 25 વર્ષીય ફેનિલે સુરેશભાઈ પટેલ સાથે વાત કરી હતી. ફેનિલે જણાવ્યું હતું કે, મારા પિતાને જ્વેલર્સનો વ્યવસાય છે. માતા ગૃહિણી અને મોટો ભાઈ જોબ કરે છે. હું કોંગ્રેસ સાથે જોડાયેલો છું. મારું આખું ફેમિલી ભાજપ તરફી છે, પરંતુ મને મારા નિર્ણયો લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા પરિવારે આપી છે. પાટીદાર આંદોલન સમયે જે ભોગવવું પડ્યું એના લીધે જ હું કોંગ્રેસ જોડે જોડાયો છું. ‘આ વખતે ભાજપને હરાવવાની જરૂર છે’
અહીં કોંગ્રેસમાં મેં જોયું છે ફ્રીડમ અને લોકશાહી છે. ભાજપ તો રિમોટ કંટ્રોલ સરકાર છે. ભાજપમાં કોઈને બોલવા દેવામાં આવતા નથી. આ વખતે ભાજપને હરાવવાની જરૂર છે. છેલ્લા 7 વર્ષથી કોંગ્રેસ પાર્ટીની અંદર યુથ કોંગ્રેસ (NSUI) અને હાલમાં મેઈન કોંગ્રેસની અંદર શહેરમાં પ્રવક્તા તરીકે કામ કરું છું. ‘પાટીદાર આંદોલનમાં ભાજપે દમન ગુજાર્યો હતો તેથી હું કોંગ્રેસમાં જોડાયો’
ફેનિલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં જોડાવવાનું કારણ 2015ની અંદર જ્યારે મારી ઉંમર ખૂબ નાની હતી (14થી 15 વર્ષ), ત્યારે પાટીદાર આંદોલનની અંદર જે દમન ગુજારવામાં આવ્યો તેને ધ્યાને લઈને ક્યાંક હું ભાજપથી વિપરીત થઈ કોંગ્રેસમાં જોડાયો. ત્યારબાદ પાર્ટીની અંદર પરિવારની જેમ અને ખાસ કરીને પાર્ટીની વિચારધારા અને ફ્રીડમ મળે છે તેનાથી પ્રભાવિત થઈને મેં કોંગ્રેસની અંદર સતત કાર્યરત રહીને જનતાના મુદ્દા ઉઠાવ્યા હતા. ‘લાઠી-દંડા અને ગોળી ખાઈને પણ જનતાની સેવા કરીશું’
જનતા ચોક્કસપણે આ વખતે યુવાન ઉમેદવારોને સમર્થન આપશે. ગાંધીનગરની અંદર ભાજપે જે ભ્રષ્ટાચાર અને ભયયુક્ત વાતાવરણ બનાવ્યું હતું. કોર્પોરેટરો એક્ટિવામાં ફરતા હતા તે અત્યારે ઈનોવા અને ડ્રાઈવર સાથે ફરે છે. તો અમે ભ્રષ્ટાચાર મુક્ત (એટલે કે એકપણ રૂપિયો કમિશન લીધા વિના) 24 કલાક જનતાની વચ્ચે લાઠી-દંડા અને ગોળી ખાઈને પણ જનતાની સેવા કરીશું. જો જનતા જીતાડશે તો તેમના આશીર્વાદથી જે કંઈપણ ગ્રાન્ટ વાપરવાની હશે તે વોર્ડ માટે વાપરીને ગાંધીનગરનો સર્વશ્રેષ્ઠ વોર્ડ-7 બનાવીશ. આગામી 5 વર્ષની અંદર દુનિયાભરના લોકો આવા વોર્ડ જોવા આવશે એ પ્રકારનો હું મારો વોર્ડ બનાવીશ. શિક્ષણ, આરોગ્ય સહિતના મુદ્દાઓને લઈ જંગમાં ઉતર્યો છું: હાર્દિક તલાટી
વોર્ડ-10માંથી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડનાર 40 વર્ષીય ડો. હાર્દિક તલાટીનું કહેવું છે કે, ખાસ કરીને શિક્ષણ, સ્વચ્છ પીવાનું પાણી, રોડ-રસ્તા અને ટ્રાફિક, આરોગ્ય સુવિધાઓ, વેરા તથા નાગરિક સુવિધાઓ અને VIP કલ્ચર જેવા મુદ્દાઓને ધ્યાને રાખીને ચૂંટણી જંગમાં ઉતર્યો છું. હવે Gen-Y અને Gen-Z સહિતની યુવા પેઢીને શહેરના સ્થાનિક પ્રશ્નો અંગે વધુ સક્રિય થવાની જરૂર છે. ‘વિકાસના દાવાઓ પોકળ સાબિત થયા’
હાર્દિક તલાટીએ જણાવ્યું હતું કે, ગાંધીનગરની જનતા વર્ષોથી અનેકવિધ પાયાની સમસ્યાઓનો સામનો કરી રહી છે. મારો વિસ્તાર સેક્ટર 6, 7, 8, 1, રાયસણ, રાંદેસણ અને કોબા છે. જ્યાં વિકાસના દાવાઓ પોકળ સાબિત થયા છે. શહેરમાં જ્યાં-ત્યાં ભૂવાઓને કારણે અવારનવાર ગંભીર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ‘વીઆઇપી કલ્ચરના કારણે સામાન્ય જનતાને ભારે હાલાકી’
ગાંધીનગરમાં સુરક્ષા ક્ષેત્રે પણ અનેક તકલીફો છે અને વીઆઇપી કલ્ચરના કારણે સામાન્ય જનતાને ભારે હાલાકી વેઠવી પડે છે. આમ તમામ સમસ્યાઓના કારણે આ વખતે ગાંધીનગરમાં Gen-Y અને Gen-Z (યુવા પેઢી) સક્રિય થઈ છે અને વહીવટી તંત્ર સામે પરિવર્તન લાવવા માટે આગળ આવી રહી છે. મેદાનમાં આવેલા યુવાનોને સાથ-સહકાર આપો. વોર્ડ-10 થી માંડીને દરેક વોર્ડમાં AAP વિજય બનાવો. જેથી યુવા પેઢી જનતાની તકલીફોને વાચા આપી ગાંધીનગરને સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યવર્ધક બનાવી શકે.
હોલિવૂડ ફિલ્મમાં કામ કરી ચૂકેલો ધ્રુવ ગાંધીનગર મનપાના ચૂંટણી જંગમાં:શેરીઓમાં લાઉડ સ્પીકર લઈને એકલે હાથે પ્રચાર, એક મહિનાથી સો.મીડિયા ગજવ્યું
📅 Published: September 27, 2026 |
📂 Category: gujarati-news
