માનવતા ક્યારે અને કયા સ્વરૂપે સામે આવી જાય તે કહી શકાતું નથી. સુરતમાંથી એક એવો જ પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ટ્રાફિક જવાનોએ ખરા અર્થમાં ફરજની સાથે માનવતાની મહેક ફેલાવી છે. સુરત રેલવે સ્ટેશનના ગેટ પાસે આવેલી ટ્રાફિક પોલીસ ચોકી ખાતે ફરજ બજાવતા રીજિયન-2ના TRB જવાનોની સમયસૂચકતા અને સતર્કતાના કારણે એક ગર્ભવતી મહિલાની સફળ ડિલિવરી ટ્રાફિક ચોકીની અંદર જ કરાવવામાં આવી હતી. જેનાથી માતા અને નવજાત બાળકી બંને સુરક્ષિત રહ્યા હતા.
સાથી જવાનો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા
બનાવની વિગત મુજબ, મોડી રાત્રે અશરે 3.20 વાગ્યાના અરસામાં મૂળ મધ્યપ્રદેશની સગર્ભા મહિલા અમલાબેનને અચાનક પેટમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. રેલવે સ્ટેશન વિસ્તારમાં પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો અને તાત્કાલિક કોઈ વાહન કે એમ્બ્યુલન્સ સમયસર ઉપલબ્ધ ન થઈ શકતા મહિલાની હાલત અત્યંત ગંભીર બની ગઈ હતી. TRB જવાનો અને મેડિકલ ઓફિસરની સમયસૂચકતાઆ નાજુક પરિસ્થિતિમાં રેલવે સ્ટેશન ગેટ ટ્રાફિક પોલીસ ચોકી ખાતે ફરજ પર હાજર રહેલા TRB જવાન પ્રવીણ જગદીશભાઈ તથા તેમના સાથી જવાનો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. પરિસ્થિરતિની ગંભીરતા પારખીને જવાનોએ સગર્ભા મહિલાને તાત્કાલિક ટ્રાફિક ચોકીની અંદર સુરક્ષિત રીતે સુવડાવી હતી અને ત્વરિત એમ્બ્યુલન્સને જાણ કરવા સાથે રેલવે પરિસરમાં ઉપલબ્ધ મેડિકલ ઓફિસર કૌશિક પટેલને પણ તાત્કાલિક બોલાવી લીધા હતા.
ટ્રાફિક ચોકીમાં જ ગુંજી બાળકીની કિલકારી
એમ્બ્યુલન્સ પહોંચવામાં વિલંબ થાય તેમ હોવાથી મેડિકલ ઓફિસર અને TRB જવાનોએ પોતાની ફરજ ઉપરાંત માનવતાવાદી અભિગમ દાખવીને ટ્રાફિક ચોકીમાં જ યોગ્ય સહાય પૂરી પાડી હતી. જેના પરિણામે મહિલાની સફળ ડિલિવરી થઈ હતી અને અમલાબેને એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો.અજાણ્યા શહેરમાં મુશ્કેલીમાં મુકાયેલા ગરીબ પરિવાર માટે આ ટ્રાફિક ચોકી જ આશીર્વાદરૂપ પ્રસૂતિ ગૃહ બની ગઈ હતી. સમયસર મળેલી તબીબી સહાય અને TRB જવાનોની માનવતાભરી તેમજ સરાહનીય કામગીરીને પગલે માતા અને નવજાત બાળકી બંને સંપૂર્ણપણે સુરક્ષિત છે. હાલ સમગ્ર સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ અને TRB જવાનોની આ સવેદનશીલ કામગીરીની ચારેયકોર પ્રશંસા થઈ રહી છે.
આ પણ વાંચોઃ Tharad હાઇવે પર કાળજું કંપાવનારી દુર્ઘટના, આખલો આડે આવતાં રેન્જ રોવરનો ભુક્કો, 2 ના મોત
