વડોદરા શહેરમાં કેશ ડિપોઝિટ મશીન(CDM)માં મશીનમાં રોકડ રૂપિયા જમા કરાવવા આવતા લોકોને વિશ્વાસમાં લઈ ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરવાના બહાને રોકડ મેળવી બાદમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનો ખોટો સ્ક્રીનશોટ બતાવી ઠગાઈ કરવાના કેસમાં ગોરવા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી ઠગાઈમાં ગયેલા 15,500 રૂપિયા રોકડા કબજે કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ દરમિયાન પોલીસે ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા સ્થાનિક CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. CCTV ફૂટેજ તેમજ ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી પોલીસને આરોપી અંગે માહિતી મળી હતી. જેના આધારે આધારે અમરકર શોરૂમ સામે આવેલી ગલીમાં બોક્સ ક્રિકેટના ગેટ પાસે ઉભેલા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસ આરોપીને ગોરવા પોલીસ સ્ટેશન ખાતે લાવી સઘન પૂછપરછ કરતાં તેણે બે વ્યક્તિઓ સાથે ઠગાઈ કરી હોવાનું કબૂલ્યું હતું. તપાસ દરમિયાન આરોપી પાસેથી ઠગાઈમાં ગયેલા 15,500 રૂપિયા રોકડા મળી આવતા પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી.
ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કર્યાનો ખોટો સ્ક્રીનશોટ બતાવી ઠગાઈ આચરતો:વડોદરામાં CDM મશીન પર રોકડ જમા કરાવવા આવતા લોકોને નિશાન બનાવતો ઠગ ઝડપાયો, પોલીસે 15,500 રૂપિયા જપ્ત કર્યા
📅 Published: September 27, 2026 |
📂 Category: gujarati-news
