Ahmedabad News : મકરબા બ્રિજની ડિઝાઇનમાં કોઈ ખામી નથી, લોકોએ કેપ્સ્યુલ ડિઝાઇન સ્વીકારવી પડશે: મેયર હિતેશ બારોટ

📅 Published: September 27, 2026 | 📂 Category: Ahmedabad

મકરબા રેલવે ઓવરબ્રિજ ખુલ્લો મુકાયાના ગણતરીના કલાકોમાં સર્જાયેલી પરેશાનીએ એએમસીના આયોજન સામે સીધા સવાલ ઊભા કર્યા છે. અમદાવાદ-બોટાદ રેલવે લાઇનના લેવલ ક્રોસિંગ એલ.સી.24 ઉપર બનેલા મકરબા રેલવે ઓવરબ્રિજ માટે રૂ.98.60 કરોડ જેટલી માતબર રકમ ખર્ચવામાં આવી છે. આટલા ખર્ચ અને લાંબી રાહ પછી પણ વાહનચાલકોએ લાંબા યુ-ટર્ન લેવા પડે, જૂનું રેલવે ક્રોસિંગ બંધ થવાથી અવરજવરની મુશ્કેલી વધે અને રોજ હજારો લોકો પરેશાન થાય તો એએમસીના એન્જિનિયરિંગ અને ટ્રાફિક આયોજનનો હેતુ શું સિદ્ધ થયો? શહેરના મેયરે કહ્યું હતું કે, લોકોએ આ કેપ્શ્યુલ ડિઝાઈન સ્વીકારવી જ પડશે.

શહેરના મેયરે કહ્યું લોકોએ સ્વીકાર કરવો પડશે

અમદાવાદના વિવાદિત મકરબા બ્રિજ અંગે મેયર હિતેશ બારોટે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે બ્રિજની ડિઝાઇનમાં કોઈ ફોલ્ટ નથી અને તે ફાટક મુક્ત કરવા માટે જ બનાવવામાં આવ્યો છે. પરંતુ જ્યારે આ બ્રિજની ડિઝાઇન ફાઇનલ થઈ ત્યારે ત્યાં ટીપી (TP) ખુલી નહોતી તેમજ પાછળ ઉતારતા યોગ્ય ઢાળ ન મળવાને કારણે અને ટ્રાફિકની સ્થિતિને ધ્યાને રાખીને લોકોએ આ કેપ્સ્યુલ ડિઝાઇન સ્વીકારવી જ પડશે. તેમણે ઉમેર્યું હતું કે વેજલપુર બ્રિજમાં વિવાદ પાછળ કોઈ ચોક્કસ બ્રેઇન કામ કરી રહ્યું છે.

બ્રિજ પરથી ઉતર્યા પછી વાહનો ક્યાં જશે

કરદાતાઓ પાસેથી નાણાં વસૂલવામાં કડક રહેતું તંત્ર એ જ નાણાંના ખર્ચનો હિસાબ અને પરિણામની જવાબદારી લેવામાં મૌન કેમ છે? મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસે કેપ્સ્યુલ ડિઝાઇન જંક્શન માટે બેરિકેડ્સ મૂકતાં કોર્પોરેટ રોડ અને પ્રહલાદનગર તરફ જતા વાહનચાલકોને લાંબો યુ-ટર્ન લેવો પડે છે. જૂનું રેલવે ક્રોસિંગ બંધ થતાં લોકોની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે. બ્રિજ પરથી ઉતર્યા પછી વાહનો ક્યાં જશે, કયા રસ્તે વળશે અને સ્થાનિક લોકોની અવરજવર કેવી રીતે જળવાશે, તેનો સંતોષકારક ઉકેલ આપવાની જવાબદારી પણ આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તંત્રની જ છે.

આ પણ વાંચોઃ Tharad હાઇવે પર કાળજું કંપાવનારી દુર્ઘટના, આખલો આડે આવતાં રેન્જ રોવરનો ભુક્કો, 2 ના મોત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *