રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે ડિજિટલ યુગમાં સાયબર ઠગાઈનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. WhatsApp ગ્રૂપમાં આવેલી એક અજાણી ડિજિટલ કંકોત્રીએ નિવૃત્ત વૃદ્ધની આખી જિંદગીની મરણમૂડી ગાયબ કરી દીધી છે. માત્ર એક ક્લિક થતાં જ વૃદ્ધના ખાતામાંથી ટુકડે-ટુકડે લાખો રૂપિયા ઉપડી જતાં સમગ્ર સુપેડી ગામમાં હાહાકાર મચી ગયો છે. હવે તો લોકો મોબાઈલમાં WhatsApp ખોલતા પણ ડરી રહ્યા છે.
બેંક એકાઉન્ટ સાવ ખાલીખમ કરી નાખ્યું
ધોરાજી તાલુકાના સુપેડી ગામે રહેતા 70 વર્ષીય જયંતિલાલ પ્રાગજીભાઈ ભેસદડીયા નિવૃત્ત તલાટી મંત્રી છે અને પત્ની સાથે નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે. સંતાનમાં બે દીકરીઓ છે જેમના લગ્ન થઈ ચૂક્યા છે. દરમિયાન, તેમના મોબાઈલમાં એક વોટ્સએપ ગ્રૂપ મારફતે વેડિંગ કંકોત્રીની એપીકે (APK) ફાઈલ આવી હતી. શરૂઆતમાં આ ફાઈલ ખૂલી નહોતી પરંતુ ત્યારબાદ ફાઈલ ખૂલતાની સાથે જ મોબાઈલ હેક થઈ ગયો હતો. ગઠિયાઓએ ટૂંકા ગાળામાં જ અલગ-અલગ સમયે બે-બે લાખ અને છેલ્લે 57 હજાર મળી કુલ રૂ. 6,57,000ની રકમ ઉપાડી લઈને બેંક એકાઉન્ટ સાવ ખાલીખમ કરી નાખ્યું હતું.
પોલીસ અને સાયબર ક્રાઈમ સેલમાં લેખિત ફરિયાદ
વૃદ્ધ દંપતી પોતાની આખી જિંદગીની કમાણી લૂંટાઈ જતાં ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યું હતું. આ મામલે પોલીસ અને સાયબર ક્રાઈમ સેલમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે.જયંતિભાઈનો ફોન હેક થતાં જ તેમના કોન્ટેક્ટ લિસ્ટ અને સુપેડી ગામના તમામ વોટ્સએપ ગ્રૂપમાં આ સંદિગ્ધ કંકોત્રીની ફાઈલ ઓટોમેટોકલી ફોરવર્ડ થવા લાગી હતી.ગામના આશરે 300થી વધુ લોકોના ફોન પર આ વાયરસયુક્ત ફાઈલ ફરતી થઈ જતાં લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. આ મામલે ગામના આગેવાનો અને સ્થાનિકો પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને લોકો સાવચેત રહે તેવો અનુરોધ કરી રહ્યા છે.
ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે
સાયબર ક્રાઈમ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે કે આ ઝાળમાં અન્ય કેટલા લોકો ફસાયા છે. WhatsApp કે સોશિયલ મીડિયા પર કોઈ અજાણ્યા નંબર કે ગ્રૂપમાંથી આવતી શંકાસ્પદ ફાઈલ કે કંકોત્રીની લિંક પર ભૂલથી પણ ક્લિક ન કરવું. આવી અજાણી ફાઈલને તાત્કાલિક ડિલીટ કરવી અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તુરંત જ નજીકના પોલીસ સ્ટેશન કે સાયબર હેલ્પલાઈન 1930 પર જાણ કરવી.
