સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા એક મકાનમાં રમતાં-રમતાં બે વર્ષની બાળકી રૂમમાં પુરાઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અંદરથી અચાનક દરવાજો લૉક થઈ જવાને કારણે માસૂમ બાળકી અંદર ફસાઈ ગઈ હતી અને જોરજોરથી રડવા લાગી હતી. પરિવારે ભારે જહેમત છતાં દરવાજો ન ખૂલતાં આખરે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનોએ તુરંત ઘટનાસ્થળે પહોંચી સ્પેશિયલ ટૂલ્સની મદદથી દરવાજાનું લૉક તોડી બાળકીને હેમખેમ બહાર કાઢી પરિવારને સોંપી હતી. હોલમાં રમતાં-રમતાં રૂમમાં ગઈ અને દરવાજો લૉક થઈ ગયો
અમરોલી વિસ્તારમાં હરીદર્શન સોસાયટીમાં સંજયભાઈ ગોહિલ પરિવાર સાથે રહે છે. સંજયભાઈની 2 વર્ષની પુત્રી આરુ ઘરમાં રમી રહી હતી. રમતાં-રમતાં તે રૂમ તરફ ગઈ હતી અને અચાનક રૂમનો દરવાજો અંદરથી લૉક થઈ ગયો હતો. રૂમમાં એકલી ફસાઈ ગયેલી માસૂમ આરુ ગભરાઈને જોરજોરથી રડવા લાગી હતી. પરિવારજનોના પ્રયાસ નિષ્ફળ જતાં ફાયરને કૉલ કર્યો
બાળકીના રડવાનો અવાજ સાંભળીને પરિવારજનો તાત્કાલિક રૂમ પાસે દોડી આવ્યા હતા. બાળકીને બહાર કાઢવા માટે પરિવારના સભ્યો સહિત આસપાસના લોકોએ દરવાજો ખોલવા માટે ભારે મથામણ કરી હતી, પરંતુ લૉક જામ થઈ જવાથી દરવાજો ખૂલ્યો ન હતો. માસૂમ અંદર સતત રડતી હોવાથી પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને સમય ગુમાવ્યા વિના તાત્કાલિક સુરત મહાનગરપાલિકાના ફાયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ફાયર ટીમે લૉક તોડી બાળકીનું સફળ રેસ્ક્યૂ કર્યું
ઘટનાની જાણ થતાં જ નજીકના ફાયર સ્ટેશનની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ઓફિસરે સ્થિતિની ગંભીરતા પારખીને બાળકીને કોઈ ઇજા ન થાય તે રીતે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. ફાયરના જવાનોએ સ્પેશિયલ સાધનોનો ઉપયોગ કરી સાવચેતીપૂર્વક દરવાજાનું લૉક તોડી નાખ્યું હતું. દરવાજો ખૂલતાં જ ફાયરકર્મીઓએ રૂમમાં પ્રવેશી બાળકીને હેમખેમ બહાર કાઢી માતા-પિતાના ખોળામાં સોંપી દીધી હતી. બાળકી સુરક્ષિત મળતાં પરિવારે હાશકારો અનુભવ્યો હતો અને ફાયર ટીમનો આભાર માન્યો હતો.
અમરોલીમાં રમતાં-રમતાં રૂમમાં પૂરાઈ ગયેલી 2 વર્ષની માસૂમનું રેસ્ક્યૂ:અંદરથી દરવાજો લોક થતાં બાળકી રડવા લાગી, ફાયર ટીમે લોક તોડી હેમખેમ બહાર કાઢી
📅 Published: September 27, 2026 |
📂 Category: gujarati-news
