કાલુપુરમાંથી કારીગર 7.56 લાખનું સોનું લઈ રફુચક્કર:ચા પીવા જાઉં છું કહીને ખેલ પાડ્યો, દોઢ વર્ષથી કામ કરતો; વેપારીએ ફરિયાદ નોંધાવી

📅 Published: September 27, 2026 | 📂 Category: gujarati-news

​અમદાવાદના કાલુપુર ગાંધીરોડ પર આવેલા શ્રીનાથજી કોમ્પ્લેક્ષમાં સોનાના ઘરેણાં બનાવવાનું લેબરકામ કરતા વેપારીને ત્યાં દોઢ વર્ષથી કામ કરતો મૂળ પશ્ચિમ બંગાળનો કારીગર ચા-પાણી પીવા જાઉં છું કહીને દુકાનમાંથી રૂ. 7.56 સોનાની બંગડી અને સોનાનો ભુક્કો ચોરીને ભાગી છૂટ્યો છે. આ અંગે વેપારીએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સોનાનો 55 ગ્રામ ભુક્કો તિજોરીમાં મૂકીને દુકાન બંધ કરી
​દાણીલીમડામાં રહેતા સંદીપ ઘોષ કાલુપુર ગાંધીરોડ પર શ્રીનાથજી કોમ્પ્લેક્ષના બીજા માળે સંદીપ જ્વેલર્સવનામથી સોનાના ઘરેણાંનું લેબરકામ કરે છે. તેઓ છેલ્લા 15 વર્ષથી વેપારી યતિનકુમાર પટેલનું સોનાના દાગીના બનાવવાનું કામ કરે છે. ​ગત 19 ઓગસ્ટે યતિનકુમારે સંદીપભાઈને ડીઝાઇન મુજબ ગુલાબ ડીઝાઇનની ચાર બંગડીઓ બનાવવા માટે 198 ગ્રામ કાચું સોનું આપ્યું હતું. સંદીપભાઈ અને તેમની દુકાનમાં છેલ્લા દોઢ વર્ષથી કામ કરતો મૂળ પશ્ચિમ બંગાળનો કારીગર વિશ્વનાથ ઉર્ફે વિસુ તારાપાદા સામંતા બન્નેએ બંગડીઓ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. ગત 28 ઓગસ્ટે ચાર બંગડીઓ તૈયાર થઈ ગઈ હતી. જેમાં માત્ર લટકણ અને ટચીંગનું કામ બાકી હતું. તે રાત્રે 22 કેરેટ સોનાની 160 ગ્રામની ચાર બંગડીઓ અને બંગડીઓ બનાવતા વધેલો સોનાનો 55 ગ્રામ ભુક્કો તિજોરીમાં મૂકીને દુકાન બંધ કરી ગયા હતા. ​ ચા પીવા જાઉં છું કહીને 7.56 લાખનું સોનું લઈ રફુચક્કર
બીજા દિવસે દુકાન ખોલી તિજોરીમાંથી બંગડીઓ અને સોનાનો ભુક્કો કાઢીને કારીગર વિશ્વનાથને લટકણ લગાવવા માટે આપ્યા હતા. બાદમાં વિશ્વનાથ હું નીચે ચા-પાણી પીવા જાઉં છું તેમ કહીને દુકાનેથી નીકળ્યો હતો. લાંબો સમય થવા છતાં તે પરત ન આવતા સંદીપભાઈએ તેને ફોન કર્યો પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. ​ દોઢ વર્ષથી કામ કરતા કારીગર સામે વેપારીએ ફરિયાદ નોંધાવી
આશંકા જતાં સંદીપભાઈએ ઘરેણાંની ચકાસણી કરતાં રૂ. 5.60 લાખની 38 ગ્રામ વજનની 22 કેરેટ સોનાની એક બંગડી અને રૂ. 1.95 લાખનો 14 ગ્રામ સોનાનો ભુક્કો ગુમ હતો. તપાસ કરતા કારીગર વિશ્વનાથ કુલ રૂ. 7.56 સોનાનો મુદ્દામાલ ચોરીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. વતનમાં અને ઓળખીતાઓ પાસે તપાસ કરવા છતાં તેનો કોઈ પત્તો ન મળતાં આખરે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *