રાજસ્થાનથી ગુજરાતના દ્વારકા તરફ MD ડ્રગ્સનો મોટો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે અમદાવાદ ઝોન 7 LCB દ્વારા એક શાનદાર ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. અમદાવાદ પોલીસે વિસાલા વિસ્તાર પાસેથી ડ્રગ્સ ડિલર કાદર ઉર્ફે ઘુવડ મિયાણાની ધરપકડ કરી છે. મૂળ જામનગરના વતની એવા આ આરોપી પાસેથી પોલીસે 339 ગ્રામ MD ડ્રગ્સ, મોબાઈલ ફોન અને ગાડી સહિત કુલ 15.61 લાખ રૂપિયાનો શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કર્યો છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, આ આરોપી છેલ્લા 6 મહિનાથી ડ્રગ્સની હેરાફેરીના ગેરકાયદે ધંધામાં સક્રિય હતો.
ડ્રગ્સ નેટવર્કનું કનેક્શન, રાજસ્થાનથી દ્વારકા સુધીનું જાળું
પોલીસ પૂછપરછમાં ડ્રગ્સની હેરાફેરીને લઈને ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. પકડાયેલા આરોપી કાદરે કબૂલાત કરી છે કે, તે રાજસ્થાનના બાસવાડા ખાતે રહેતા ફૈઝલખાન નામના ડ્રગ્સ ડીલર પાસેથી આ જથ્થો મેળવતો હતો. આ ડ્રગ્સનો જથ્થો દ્વારકાના ફકીરા ઉર્ફે છાપી નામના સપ્લાયરને પહોંચાડવાનો હતો, જે બાદ ફકીરા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં આ ડ્રગ્સનું છૂટક વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે ડ્રગ્સ મોકલનાર અને રિસિવર બંને વિરુદ્ધ ગુનો નોંધીને તેમની શોધખોળ તેજ કરી દીધી છે.

6 મહિનામાં 10થી વધુ ફેરા અને દરેક ટ્રીપના મળતા હતા રૂપિયા 25 હજાર
આરોપી કાદરની કડક પૂછપરછ દરમિયાન એ પણ બહાર આવ્યું છે કે, તે અત્યાર સુધીમાં છેલ્લા 6 મહિનામાં 10થી વધુ વખત રાજસ્થાનથી ડ્રગ્સનો જથ્થો લાવીને સપ્લાય કરી ચૂક્યો છે. આ ગેરકાયદે કામગીરી માટે તેને દરેક ટ્રીપ દીઠ 25,000 રૂપિયાનું કમિશન મળતું હતું. ખાસ કરીને દ્વારકાનો ફરાર આરોપી ફકીરા કાદરનો મિત્ર હોવાથી તેના જ કહેવાથી તે રાજસ્થાનથી આ નશીલો પદાર્થ લાવતો હતો.

વેજલપુર પોલીસ મથકે ગુનો નોંધાયો, ફરાર આરોપીઓની શોધખોળ શરૂ
આ સમગ્ર રેકેટના તાર ક્યાં સુધી ફેલાયેલા છે અને તેની પાછળ કયા મોટા માથાઓ સંડોવાયેલા છે તેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે વેજલપુર પોલીસ મથકે ગુનો નોંધીને પોલીસે હાલ ફરાર થયેલા ફૈઝલખાન અને ફકીરા ઉર્ફે છાપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ડ્રગ્સના આ મોટા નેટવર્કનો પર્દાફાશ કરવા માટે પોલીસ અન્ય કડીઓ પણ જોડી રહી છે.

આ પણ વાંચો: Ahmedabad News: 11.42 કરોડના ડિજિટલ અરેસ્ટ કૌભાંડમાં CBIએ બે આરોપીઓની ધરપકડ, 10 રાજ્યોમાં 22 સ્થળોએ રેડ
