ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની 3 મેચની વનડે સીરિઝની પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના ઓપનર જસ્ટિન ગ્રીવ્સે પોતાના વનડે કરિયરની સૌથી યાદગાર ઇનિંગ રમી છે. તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય બોલરો સામે શરૂઆતથી જ આત્મવિશ્વાસ સાથે બેટિંગ કરનાર ગ્રીવ્સે અંતે પોતાની પ્રથમ વનડે સદી ફટકારી હતી.ગ્રીવ્સે 104 બોલમાં પોતાની પ્રથમ વનડે સદી પૂરી કરી હતી. 2022માં વનડે ડેબ્યૂ કર્યા બાદ 4 વર્ષ અને 26મી મેચમાં તેમણે આ સિદ્ધિ મેળવી છે. આ સદી ગ્રીવ્સ માટે ખાસ છે, કારણ કે લાંબા સમયથી તેઓ મોટી ઇનિંગની રાહ જોઈ રહ્યા હતા.
26મી મેચમાં આવી પહેલી સદી
જસ્ટિન ગ્રીવ્સે 2022માં વનડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.પોતાની પ્રથમ 25 મેચમાં તેઓ માત્ર 1 અડધી સદી ફટકારી શક્યા હતા.જોકે, ભારત સામેની પ્રથમ વનડેમાં તેમણે શરૂઆતથી જ શાનદાર બેટિંગ કરી હતી.ગ્રીવ્સે આ મેચમાં કુલ 108 બોલનો સામનો કરીને 101 રન બનાવ્યા હતા. તેમની ઇનિંગમાં 12 ચોગ્ગા સામેલ હતા. ભારતીય ધરતી પર તેમની આ શાનદાર ઇનિંગે તેમને લાંબા સમયથી ચાલી રહેલી મોટી ઇનિંગની રાહનો અંત લાવી દીધો.
ગેલ સહિત દિગ્ગજોના ખાસ ક્લબમાં સામેલ
ભારતીય ધરતી પર ભારત સામે વનડે સદી ફટકારવી કોઈપણ વિદેશી ઓપનર માટે મોટી સિદ્ધિ માનવામાં આવે છે. ગ્રીવ્સ પહેલાં માત્ર 5 વેસ્ટ ઈન્ડિઝના ઓપનર ભારત સામે તેની જ ધરતી પર વનડે સદી ફટકારી શક્યા હતા.હવે ગ્રીવ્સ પણ ગોર્ડન ગ્રીનિજ, ક્રિસ ગેલ, ફિલ સિમન્સ, શાઈ હોપ અને શિવનારાયણ ચંદ્રપોલ જેવા દિગ્ગજોના ખાસ ક્લબમાં સામેલ થઈ ગયા છે.આ સિદ્ધિમાં એક રસપ્રદ સંયોગ પણ છે.1988માં તિરુવનંતપુરમમાં જ ફિલ સિમન્સે વેસ્ટ ઈન્ડિઝના ઓપનર તરીકે સદી ફટકારી હતી. હવે લગભગ 38 વર્ષ બાદ એ જ શહેરમાં ગ્રીવ્સે પણ ભારત સામે સદી ફટકારીને ઈતિહાસનું પુનરાવર્તન કર્યું છે.
32 વર્ષની ઉંમરે પ્રથમ સદી
જસ્ટિન ગ્રીવ્સે 32 વર્ષની ઉંમરે પોતાની પ્રથમ વનડે સદી ફટકારીને વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટ ઈતિહાસમાં પણ ખાસ સ્થાન બનાવ્યું છે. તેઓ કારકિર્દીની પ્રથમ વનડે સદી સૌથી વધુ ઉંમરે ફટકારનારા વેસ્ટ ઈન્ડિઝના બેટરોમાં ત્રીજા સ્થાને પહોંચી ગયા છે.ગ્રીવ્સ માટે આ સદી માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ લાંબા સમયની રાહ અને મહેનતનું પરિણામ પણ છે. ભારત સામેની આ ઇનિંગ સાથે તેમણે વેસ્ટ ઈન્ડિઝની ઓપનિંગ જોડીમાં પણ મજબૂત શરૂઆત આપીને ટીમને મોટો સ્કોર કરવાની દિશામાં આગળ ધપાવી છે.
આ પણ વાંચો – Virat Kohliની સિદ્ધિ, 28 વર્ષ જૂનો અજહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
