અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વધુ એક માનવતાવાદી અને સંવેદનશીલ ઘટના સામે આવી છે, જ્યાં 46 વર્ષીય સ્વ. મહેશભાઈના અંગદાનથી 5 ગંભીર દર્દીઓને નવજીવન સાંપડ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ 256મું સફળ અંગદાન નોંધાયું છે. મૂળ નડિયાદના વતની એવા મહેશભાઈના પરિવારે અત્યંત દુઃખની ઘડીમાં પણ હિંમત દાખવીને અંગદાનનો આ મોટો અને સંવેદનશીલ નિર્ણય લીધો હતો, જેના કારણે પીડાતા દર્દીઓ માટે આશાનું નવું કિરણ પ્રગટ્યું છે.
અંગ અને પેશી દાનનો આંકડો 1100ને પાર
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સતત પ્રયાસો અને તબીબોના યોગ્ય સંકલનને કારણે અંગદાન ક્ષેત્રે એક નવો માઈલસ્ટોન હાસિલ થયો છે. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલના સફળ સંકલનથી અત્યાર સુધીમાં અંગ અને પેશી (ટિશ્યુ) દાનનો કુલ આંકડો 1100ને પાર પહોંચી ગયો છે. અંગદાન ક્ષેત્રે અમદાવાદ સિવિલ હોસ્પિટલ રાજ્યભરમાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહી છે.
પરિવારનો નિર્ણય અને સમયસર કાઉન્સિલિંગનું યોગદાન
અંગદાનની આ સફળતા અંગે વાત કરતા ડૉ. રાકેશ જોશીએ ઉમેર્યું હતું કે, અંગદાનની દરેક સફળ ઘટના પાછળ સ્વજન ગુમાવનાર પરિવારનો મહાન ત્યાગ અને નિર્ણયશક્તિ છુપાયેલી હોય છે. આ સાથે જ સિવિલ હોસ્પિટલની કાઉન્સિલર ટીમ દ્વારા સમયસર અને સંવેદનશીલ રીતે કરવામાં આવતું કાઉન્સિલિંગ પણ આ પ્રક્રિયામાં ખૂબ મોટું યોગદાન આપે છે. પરિવારજનો અને તબીબોના સહિયારા પ્રયાસોથી જ આજે અનેક લોકોને નવું જીવન મળી રહ્યું છે.
