Surat: સંજીવકુમાર નાટય સ્પર્ધામાં 86 ટકા બુકીંગ : રૂ.20 ટિકિટનો પ્રયોગ સફળ

📅 Published: September 27, 2026 | 📂 Category: Surat

સુરત : સુરત મહાનગરપાલિકા દ્વારા 52 વર્ષથી યોજાતી સંજીવકુમાર નાટય સ્પર્ધા આ વખતે નવા રંગરૂપ સાથે કતારગામના ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમમાં યોજાઈ રહી છે. રવિવારે રાષ્ટ્રીય કલા કેન્દ્રના ‘વિલન’ નામના નાટક સાથે સ્પર્ધાનો રંગારંગ આરંભ થયો હતો. પ્રથમ દિવસે પ્રેક્ષકોની મોટી હાજરી નોંધાઇ હતી. દરમિયાન પહેલીવાર પ્રેક્ષકો માટે 20 રૂપિયા ટિકિટ રાખવાનો પ્રયોગ સફળ થયો હોય એમ 86 ટકા ટિકિટ ઓનલાઇન વેચાઇ ગઇ હતી. નવી પ્રણાલીને નાટયપ્રેમીઓએ પણ ઉત્સાહભેર પ્રતિસાદ આપ્યો હતો.

રવિવારે નાટય સ્પર્ધાના આરંભ સાથે 5980 પૈકી 5160 ટિકિટનું વેચાણ થયું હોવાનું નોંધાયું હતું. આ વખતે સ્પર્ધાનું સ્થળ બદલાઈને કતારગામના આધુનિક ઓડિટોરિયમમાં પહોંચ્યું છે. ઓડિટોરિયમમાં કુલ 876 બેઠકની ક્ષમતા છે. તેમાંથી 600 બેઠકો માટે રૂ.20ની ટિકિટ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દરેક નાટક માટેનું બુકિંગ 21 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યું હતું. નજીવી ટિકિટ કિંમતને કારણે શહેરના નાટયરસિકોમાં પણ સ્પર્ધાના નાટકો નિહાળવા માટેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દસ દિવસ ચાલનારી સ્પર્ધામાં કુલ 10 નાટય સંસ્થાઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. દરરોજ એક નાટકની રજૂઆત કરવામાં આવશે. પ્રથમ દિવસે રવિવારે ‘વિલન’ નાટક ભજવાયું હતું. હવે રોજ નાટકો રાત્રે 8.30 વાગ્યે શરૂ થશે. નવા ઓડિટોરિયમમાં સતત દસ દિવસ સુધી ગુજરાતી નાટયજગતના વિવિધ વિષયોના નાટકોની રંગમંચ પર રજૂઆત થશે. સ્પર્ધાની ટિકિટ વ્યવસ્થામાં આવકની વહેંચણી પણ આ વખતે ખાસ બની છે. ટિકિટ વેચાણમાંથી થતી આવક તમામ 10 ફાઇનલિસ્ટ નાટય સંસ્થાઓને સરખા હિસ્સામાં આપવામાં આવશે. અગાઉ ઇનામની રકમ સિવાય ટિકિટ વેચાણની આવકનો સીધો લાભ સંસ્થાઓને મળતો ન હતો. નવી વ્યવસ્થાથી નાટય સંસ્થાઓને નિર્માણ ખર્ચ ઉપરાંત કલાકારોના મહેનતાણા, સેટ, લાઇટ અને સાઉન્ડ સહિતના ખર્ચમાં આર્થિક સહાય મળશે. આમ, પાલિકાની 20 રૂપિયાની ટિકિટના પ્રયોગે એકસાથે પ્રેક્ષકોને સ્પર્ધા સાથેજોડયા છે અને નાટય સંસ્થાઓ માટે આવકનો નવો માર્ગ ખોલ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *