સુરત શહેર અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલા એમ્બ્રોઈડરી અને ટેક્સટાઇલ એકમોમાં રાત-દિવસ કાળી મજૂરી કરતા ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશાના લાખો શ્રમિકોની સ્થિતિ અત્યંત દયનીય બની છે. છેલ્લા ત્રણ મહિનાથી માત્ર એક સાપ્તાહિક રજા (વીકલી ઓફ) માટે આજીજી કરી રહેલા શ્રમિકોની માંગણીઓ પ્રત્યે કારખાનેદારો અને વહીવટી તંત્ર દ્વારા કોઈ સકારાત્મક વલણ ન દાખવતાં શ્રમિકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. વારંવારની મધ્યસ્થી બેઠકો નિષ્ફળ જતાં હવે શ્રમિકોએ પોતાના હક માટે આરપારની લડાઈના મૂડમાં આવીને આગામી 1 ઓક્ટોબરના રોજ સુરત કલેક્ટર કચેરી ખાતે વિશાળ ધરણાં પ્રદર્શન કરવાનું એલાન કર્યું છે. ’16 વર્ષથી સુરતમાં છું પણ દીકરીને રમાડવાનો સમય નથી મળતો’: ગોવિંદકુમાર યાદવ
છેલ્લા 16 વર્ષથી એમ્બ્રોઈડરી લાઈનમાં કામ કરતા શ્રમિક ગોવિંદ કુમાર યાદવે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, હું 2010થી આ લાઈનમાં છું. પહેલાં સ્થિતિ સારી હતી, પણ હવે શેઠ લોકો ખૂબ હેરાન કરે છે. સમયસર પગાર નથી મળતો. કામ દરમિયાન ઈજા થાય તો સારવારના પૈસા આપવાને બદલે બીજી વ્યક્તિને બેસાડી દે છે. દિવાળીએ બોનસ નથી અપાતું અને રજાઓ પણ છીનવી લીધી છે. મહિનાના 30 દિવસ કામ કરવું પડે છે. મારી એક નાની દીકરી છે, હું ઘરે પહોંચું ત્યારે એ ઊંઘતી હોય અને સવારે કામે નીકળું ત્યારે પણ ઊંઘતી હોય. 16 વર્ષથી સુરતમાં છું છતાં પરિવાર સાથે ક્યાંય જઈ શકતો નથી. અમારી કોઈ મોટી માંગણી નથી, બસ પરિવાર માટે થોડો સમય અને સાપ્તાહિક રજા જોઈએ છે. 12 કલાક પછી પણ રાત્રે ઉઠાડીને કામ કરાવે છે: નિલેશ કશ્યપ
મૂળ ઉત્તર પ્રદેશના અને છેલ્લા 10 વર્ષથી કામ કરતા નિલેશ કશ્યપે કારખાનાઓની કડવી વાસ્તવિકતા જણાવતા કહ્યું કે, અમે રોજ 12 કલાક કામ કરીએ છીએ. જો ક્યારેક એક-બે કલાકનું પણ અંગત કામ નીકળે તો રજા નથી મળતી. અમે બીમાર પડીએ તો પણ અમારો પગાર કાપી લેવામાં આવે છે, તો પછી તહેવારોમાં વતન જઈએ ત્યારે પગાર ક્યાંથી આપે? હોળી-દિવાળીમાં માત્ર એક જ દિવસની રજા મળે છે. 12 કલાકની શિફ્ટ પૂરી થઈ ગયા પછી પણ રાત્રે ઊંઘમાંથી ઉઠાડીને વધારાનું કામ કરાવવામાં આવે છે. જો કોઈ કારીગર વિરોધ કરે કે ના પાડે, તો શેઠ સીધું કહી દે છે કે પોતાનો હિસાબ અને વાસણ-સામાન લઈને અહીંથી નીકળી જાઓ. 8 કલાક ડ્યુટી અને સાપ્તાહિક રજા કાયદામાં છે, કોઈ દયાની ભીખ નથી: કૃષ્ણા યાદવ
યુપીથી સુરત રોજીરોટી માટે આવેલા શ્રમિક કૃષ્ણા યાદવે જણાવ્યું કે, દિવસના 12 કલાક, મહિનાના 30 દિવસ અને આખા વર્ષના 365 દિવસ સતત પિસાતા રહીને કારીગર કેવી રીતે કામ કરી શકે? અમે જે સાપ્તાહિક રજા અને 8 કલાકની ડ્યુટીની માંગ કરી રહ્યા છીએ તે તો શ્રમ કાયદા હેઠળ પહેલેથી જ માન્ય છે, અમારે માત્ર તેનો અમલ જોઈએ છે. ઘણા કારખાનાઓમાં પંખા, પીવાના શુદ્ધ પાણી કે પ્રાથમિક સુવિધાઓ પણ હોતી નથી. એસોસિએશનવાળા 6, 8 કે 12 કલાકની વાતો કરીને મુદ્દાને ગોળ-ગોળ ફેરવે છે, પરંતુ મુખ્ય માંગ એવી સાપ્તાહિક રજા પર કોઈ વાત કરવા તૈયાર નથી. સૌથી પહેલાં અઠવાડિક રજા લાગુ થવી જ જોઈએ. 1 ઓક્ટોબરે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી પહોંચો: સુનિલ
ઓડિશાથી રોજગારીની શોધમાં સુરત આવેલા અને 15 વર્ષથી એમ્બ્રોઈડરીમાં કાર્યરત સુનિલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, શેઠ લોકો કહે છે કે કારીગરો અમારો પરિવાર છે, પણ એ તદ્દન જૂઠાણું છે. મહિનામાં જો ભૂલથી એક રજા પડી જાય તો બીજા દિવસે નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી મળે છે. કોઈ કારીગર ખુશ નથી, બધા મજબૂરીમાં પક્ષીની જેમ કેદ છે. ઘણા શેઠને તો એમ્બ્રોઈડરી મશીનનું નામ કે ડિઝાઇન સેટ કરતા પણ નહોતું આવડતું, ઓપરેટરોએ જ એમને બધું શીખવ્યું છે. આજે જ્યારે કારીગરો હક માંગે છે ત્યારે તેમને દબાવવામાં આવે છે. કબૂતરને પાંજરામાં રાખે તેમ રખાય છે. એટલે જ અમે તમામ શ્રમિકોને વિનંતી કરીએ છીએ કે 1 ઓક્ટોબરે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચીને પોતાના હક માટે અવાજ ઉઠાવો. શોષણ સામે શ્રમિકો એકતા બતાવી હક માટે લડશે
સુરતની શાન ગણાતા ટેક્સટાઇલ અને એમ્બ્રોઈડરી ઉદ્યોગનો પાયો આ પરપ્રાંતીય શ્રમિકોની અથાગ મહેનત પર ટકેલો છે. આમ છતાં, તેમને પાયાની સુવિધાઓ, તબીબી સુરક્ષા અને માનવીય ગૌરવથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. સાપ્તાહિક રજા જેવો મૂળભૂત અધિકાર પણ ન મળતાં શ્રમિકોમાં અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે. 1 ઓક્ટોબરના રોજ યોજાનાર આ ધરણાં પ્રદર્શન સુરતના ટેક્સટાઇલ સેક્ટર માટે મોટો વળાંક સાબિત થઈ શકે છે, ત્યારે તંત્ર અને એસોસિએશન આ મુદ્દે શ્રમિકોના હિતમાં શું પગલાં ભરે છે તેના પર સૌની નજર ટકેલી છે.
10 લાખ શ્રમિકોની સાપ્તાહિક રજાની માંગ વણઉકેલાયેલી:‘અમે 365 દિવસ 12 કલાક પિસાતા રહીએ, બીમાર પડીએ તો પગાર કપાય'; 4 વાર બેઠકો ફેઇલ ગયા બાદ પરપ્રાંતીય શ્રમિકો ધરણાં કરશે
📅 Published: September 28, 2026 |
📂 Category: gujarati-news
