રિપોર્ટ- ઇજિપ્તે હમાસના હુમલા પહેલાં ઇઝરાઇલને ચેતવણી આપી હતી:ગુપ્તચર વડાએ નેતન્યાહૂને ફોન કરીને કહ્યું હતું- ગાઝાથી મોટો હુમલો થઈ શકે છે

📅 Published: September 28, 2026 | 📂 Category: International

ઇજિપ્તે 7 ઑક્ટોબર 2023ના રોજ થયેલા હમાસના હુમલાની ચેતવણી ઇઝરાઇલને પહેલેથી જ આપી દીધી હતી. વૉલ સ્ટ્રીટ જર્નલ (WSJ)ના અહેવાલ મુજબ, ઇજિપ્તની ગુપ્તચર એજન્સીના વડા અબ્બાસ કામેલે હુમલાના થોડા દિવસો પહેલાં ઇઝરાઇલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને ફોન કર્યો હતો. તેમણે ગાઝામાંથી મોટા હુમલાની આશંકા વ્યક્ત કરી હતી. અહેવાલ મુજબ, ઇજિપ્તે ઇઝરાઇલને પહેલી ચેતવણી જૂન 2023માં આપી હતી. ત્યારબાદ સપ્ટેમ્બરમાં પણ આગાહ કરવામાં આવ્યું હતું. હુમલાના થોડા દિવસો પહેલાં નેતન્યાહૂની કચેરીમાં ફોન કરીને ત્રીજી વખત ચેતવણી આપવામાં આવી હતી. જોકે, આ ચેતવણીઓ બાદ ઇઝરાઇલે શું પગલાં લીધાં હતાં તે સ્પષ્ટ નથી. ઇજિપ્તે હમાસ સાથે વાતચીત શરૂ કરવા કહ્યું હતું WSJના અહેવાલ મુજબ, ઇજિપ્તે જૂન 2023માં ગાઝાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેણે ઇઝરાઇલને હમાસ સાથે ફરીથી વાતચીત શરૂ કરવા કહ્યું હતું. આ વાતચીત બંધકો અને કેદીઓની અદલાબદલીને લઈને થવાની હતી. સપ્ટેમ્બર 2023માં અબ્બાસ કામેલ ઇઝરાઇલ ગયા હતા. અહેવાલ મુજબ, તેમણે ત્યાંના અધિકારીઓને જણાવ્યું હતું કે ગાઝાની પરિસ્થિતિ ગંભીર છે. તેમણે ચેતવણી આપી હતી કે સ્થિતિ ઝડપથી વણસી શકે છે. પરંતુ ઇઝરાઇલી અધિકારીઓએ તેમને કહ્યું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. તેના થોડા દિવસો બાદ કામેલે નેતન્યાહૂના કાર્યાલયમાં ફોન કર્યો હતો. અહેવાલ મુજબ, તેમણે ગાઝાથી મોટા હુમલાની આશંકા અંગે ફરી ચેતવણી આપી હતી. જોકે, આ ચેતવણીઓમાં હુમલાનો ચોક્કસ સમય, નિશાનાં અને તેની સંપૂર્ણ યોજનાની જાણકારી હોવાની વાત સામે આવી નથી. નેતન્યાહૂએ ચેતવણી મળવાનો ઇનકાર કર્યો હતો નેતન્યાહૂ અગાઉ કહી ચૂક્યા છે કે હુમલા પહેલાં તેમને ઇજિપ્તના ગુપ્તચર વડા તરફથી સીધી કોઈ ચેતવણી મળી નહોતી. આવી સ્થિતિમાં નવા અહેવાલ બાદ સવાલો ઊઠી રહ્યા છે કે શું નેતન્યાહૂને હુમલાની આશંકા અંગે અગાઉથી જાણકારી હતી. સવાલ એ પણ છે કે ઇજિપ્ત તરફથી મળેલી જાણકારી ઇઝરાઇલની સુરક્ષા એજન્સીઓ સુધી પહોંચી હતી કે નહીં. UAEના રાષ્ટ્રપતિએ પણ નેતન્યાહૂને ચેતવણી આપી હતી આ પહેલાં ન્યૂયોર્ક ટાઇમ્સ (NYT)ના એક અહેવાલમાં પણ દાવો કરવામાં આવ્યો હતો કે UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાને સપ્ટેમ્બર 2023માં નેતન્યાહૂને હમાસના સંભવિત મોટા હુમલા વિશે જણાવ્યું હતું. અહેવાલમાં આ વાતચીતની જાણકારી ધરાવતા બે લોકોના હવાલાથી આ વાત કહેવામાં આવી હતી. NYT મુજબ, ઇઝરાઇલના પાંચ ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે UAEની આ ચેતવણી દેશના સુરક્ષા તંત્રના ટોચના અધિકારીઓ સુધી પહોંચી નહોતી. નેતન્યાહૂએ UAE સાથે જોડાયેલી ચેતવણીના આરોપોને ફગાવી દીધા હતા. તેમણે આ અહેવાલને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો હતો. હુમલા પહેલાં કઈ-કઈ માહિતી મળી હતી? 7 ઑક્ટોબર 2023ના રોજ હમાસના ઉગ્રવાદીઓએ ગાઝા સરહદ પાર કરીને ઇઝરાઇલી લોકો અને સૈન્ય મથકો પર હુમલો કર્યો હતો. આ દરમિયાન અનેક લોકોને બંધક પણ બનાવવામાં આવ્યા હતા. ધ એટલાન્ટિકના અહેવાલ મુજબ, અબ્બાસ કામેલે 26 સપ્ટેમ્બર 2023ના રોજ ઇઝરાયલની મુલાકાત લીધી હતી. આ હુમલાના 11 દિવસ પહેલાંની વાત છે. અહેવાલમાં જણાવાયું છે કે કામેલે ગાઝામાં હુમલાની તૈયારીઓ અંગે ચેતવણી આપી હતી. તેમણે તણાવ ઘટાડવા માટે પગલાં લેવાની અપીલ પણ કરી હતી. જેરુસલેમ પોસ્ટે WSJના અહેવાલને ટાંકીને જણાવ્યું કે ઇજિપ્તે ઇઝરાયલને ઓછામાં ઓછા ત્રણ વખત ચેતવણી આપી હતી. જોકે, અહેવાલોથી એ સાબિત થતું નથી કે ઇઝરાયલને હુમલાની સંપૂર્ણ યોજના વિશે પહેલેથી જાણકારી હતી. હવે મુખ્ય સવાલ એ છે કે નેતન્યાહૂ સુધી કઈ માહિતી પહોંચી હતી, સુરક્ષા એજન્સીઓને શું જણાવવામાં આવ્યું હતું અને ચેતવણીઓ બાદ શું કાર્યવાહી કરવામાં આવી હતી. આ સવાલો અંગે હજુ સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ નથી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *