સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી વનડેમાં એક રસપ્રદ ઘટના જોવા મળી હતી. મેચ દરમિયાન DRS લેવાના મુદ્દે સાઉથ આફ્રિકાના વિકેટકીપર ક્વિન્ટન ડિકોક અને કેપ્ટન ટેમ્બા બાવુમા વચ્ચે મેદાન પર ચર્ચા થઈ હતી.આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર પણ તેની ચર્ચા શરૂ થઈ હતી.આ ઘટના ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સની 47.4 ઓવરમાં બની હતી.લિઝાડ વિલિયમ્સની બોલ મિડલ અને લેગ સ્ટમ્પની લાઇનમાં શાનદાર યોર્કર હતી.ઓસ્ટ્રેલિયાના બેટર જેવિયર બાર્ટલેટ બોલને રમવામાં નિષ્ફળ રહ્યા અને બોલ તેમના પેડ પર વાગ્યો હતો.સાઉથ આફ્રિકાના ખેલાડીઓએ જોરદાર LBWની અપીલ કરી હતી, પરંતુ મેદાન પરના અમ્પાયરે બાર્ટલેટને નોટઆઉટ આપ્યો હતો.
DRS લેવાના મુદ્દે ડિકોકની ઉતાવળ
અમ્પાયરના નિર્ણય બાદ સાઉથ આફ્રિકાની ટીમ સામે DRS લેવાનો વિકલ્પ હતો. જોકે રિવ્યૂ માટેનો સમય ઝડપથી પૂરો થઈ રહ્યો હતો. આવી સ્થિતિમાં ડિકોક બાવુમાને ઝડપથી નિર્ણય લેવા માટે કહી રહ્યા હતા.ડિકોકને લાગી રહ્યું હતું કે બોલ સ્ટમ્પ પર જઈ રહ્યો છે અને રિવ્યૂ લેવો જોઈએ. બીજી તરફ બાવુમા પણ પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બોલર લિઝાડ વિલિયમ્સ પણ રિવ્યૂ માટે વિશ્વાસમાં હોવાનું જણાવવામાં આવ્યું હતું.થોડી ચર્ચા બાદ બાવુમાએ આખરે DRS લેવાનો નિર્ણય કર્યો.
રિવ્યૂમાં બદલાયો મેદાન પરનો નિર્ણય
DRSમાં અલ્ટ્રાએજમાં બેટ અને બોલ વચ્ચે સંપર્કનો કોઈ સંકેત જોવા મળ્યો નહોતો. ત્યારબાદ બોલ ટ્રેકિંગમાં સ્પષ્ટ થયું કે બોલ લેગ સ્ટમ્પ સાથે અથડાઈ રહ્યો હતો.આ ટેક્નોલોજિકલ પુરાવા બાદ મેદાન પરનો નોટઆઉટ નિર્ણય બદલવામાં આવ્યો અને જેવિયર બાર્ટલેટને LBW આઉટ જાહેર કરવામાં આવ્યા.બાર્ટલેટે આઉટ થતાં પહેલાં માત્ર 28 બોલમાં 50 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી. તેમની ઇનિંગ્સમાં 2 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થતો હતો.આખરે સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 32 રને હરાવીને 3 મેચની વનડે સિરીઝમાં 2-0ની લીડ મેળવી હતી.
કેમ યાદ આવ્યો 2021નો જૂનો વિવાદ?
ડિકોક અને બાવુમા વચ્ચેની આ ચર્ચાએ સોશિયલ મીડિયા પર 2021ની ઘટનાની યાદ અપાવી હતી. 2021ના T20 વર્લ્ડ કપ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ પહેલાં સાઉથ આફ્રિકાના ખેલાડીઓને જાતિવાદ સામે એકતાનો સંદેશ આપવા માટે ઘૂંટણિયે બેસવાનું કહેવામાં આવ્યું હતું.તે સમયે ડિકોકે આ નિર્ણયથી પોતાને અલગ રાખ્યો હતો અને મેચમાં પણ રમ્યા નહોતા. બાવુમા તે સમયે સાઉથ આફ્રિકાની ટીમના કેપ્ટન હતા. બાદમાં ડિકોકે માફી માંગી હતી અને ટીમ સાથે આ અભિયાનમાં જોડાવા માટે સંમતિ આપી હતી.આ જૂની ઘટનાને કારણે ડિકોક અને બાવુમા વચ્ચે મેદાન પર થતી કોઈપણ ચર્ચા સોશિયલ મીડિયા પર તરત જ ચર્ચાનો વિષય બની જાય છે. જોકે આ વખતે બંને વચ્ચેની વાતચીતનો મુદ્દો સંપૂર્ણપણે DRSના નિર્ણય સાથે જોડાયેલો હતો અને અંતે રિવ્યૂ સાઉથ આફ્રિકાની ટીમના પક્ષમાં ગયો હતો.
આ પણ વાંચો – ENG vs SL : હેડ કોચ મેકુલમને બર્થડે ગિફ્ટ! ઈંગ્લેન્ડે શ્રીલંકાને 223 રને કચડી નોંધાવી સૌથી મોટી જીત
