ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચેની 3 મેચની વનડે સિરીઝનો અંત શાનદાર રહ્યો છે.યજમાન ઈંગ્લેન્ડે સિરીઝની ત્રીજી અને અંતિમ વનડેમાં શ્રીલંકાને 223 રને હરાવીને સિરીઝ 2-1થી પોતાના નામે કરી હતી.ખાસ વાત એ રહી કે ઈંગ્લેન્ડે આ મોટી જીત પોતાના વ્હાઇટ બોલ કોચ બ્રેન્ડન મેકુલમના જન્મદિવસે મેળવી હતી.27 સપ્ટેમ્બરે ધ ઓવલ ખાતે રમાયેલી મેચના દિવસે જ મેકુલમે પોતાનો 45મો જન્મદિવસ ઉજવ્યો હતો.તેમની ટીમે શ્રીલંકા સામે અત્યાર સુધીની સૌથી મોટી જીત મેળવીને કોચને ખાસ ભેટ આપી હતી.
શ્રીલંકા સામે ઈંગ્લેન્ડની સૌથી મોટી જીત
ટોસ બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે શાનદાર બેટિંગ કરી હતી. ટીમે 50 ઓવરમાં 7 વિકેટે 355 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.356 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ ઈંગ્લેન્ડના બોલરો સામે ટકી શકી નહોતી. શ્રીલંકાની આખી ટીમ માત્ર 29.1 ઓવરમાં 132 રને ઓલઆઉટ થઈ ગઈ હતી.આ સાથે ઈંગ્લેન્ડે 223 રનની જીત મેળવી હતી. શ્રીલંકા સામે રનના તફાવતથી આ ઈંગ્લેન્ડની સૌથી મોટી વનડે જીત બની છે.
ટોમ બેન્ટને ફટકારી કારકિર્દીની પ્રથમ સદી
ઈંગ્લેન્ડની આ મોટી જીતમાં ઓપનર ટોમ બેન્ટનની ભૂમિકા સૌથી મહત્વની રહી હતી.બેન્ટને માત્ર 95 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેમણે કુલ 105 બોલનો સામનો કરીને 16 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 126 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.આ બેન્ટનની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી હતી. તેમની આ મેચ વિનિંગ ઇનિંગ્સ માટે તેમને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી માટે 6 વર્ષ રાહ
ટોમ બેન્ટને 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.જોકે પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી ફટકારવા માટે તેમને લગભગ 6 વર્ષ રાહ જોવી પડી હતી.શ્રીલંકા સામેની આ વનડે સિરીઝમાં બેન્ટન ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર બેટર પણ રહ્યા. તેમણે 3 મેચમાં 69.66ની સરેરાશથી કુલ 209 રન બનાવ્યા હતા.
વિલ જેક્સ બન્યા પ્લેયર ઓફ ધ સિરીઝ
બેન્ટને સિરીઝમાં સૌથી વધુ રન બનાવ્યા હોવા છતાં પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ તેમને મળ્યો નહોતો. ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર વિલ જેક્સને આ એવોર્ડ મળ્યો હતો.જેક્સે સિરીઝમાં 123 રન બનાવવાની સાથે 5 વિકેટ પણ ઝડપી હતી. તેમના ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે તેમને પ્લેયર ઓફ ધ સિરીઝ પસંદ કરવામાં આવ્યા હતા.
ઈંગ્લેન્ડે 2-1થી સિરીઝ જીતી
સિરીઝની પ્રથમ વનડેમાં ઈંગ્લેન્ડે શ્રીલંકાને 89 રને હરાવ્યું હતું. ત્યારબાદ બીજી વનડેમાં શ્રીલંકાએ વાપસી કરીને સિરીઝ 1-1થી બરાબર કરી હતી.આ પછી ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડે જોરદાર વાપસી કરતા શ્રીલંકાને 223 રને હરાવી હતી. આ જીત સાથે ઈંગ્લેન્ડે સિરીઝ 2-1થી જીતી લીધી હતી.કોચ બ્રેન્ડન મેકુલમના જન્મદિવસે મળેલી આ મોટી જીત ઈંગ્લેન્ડ માટે સિરીઝ જીત સાથે યાદગાર પણ બની હતી.
આ પણ વાંચો – Virat Kohli-Shubman Gill જોડીએ મચાવી ધૂમ,પ્રથમ વનડેમાં 7 મોટા રેકોર્ડ સાથે રચાયો ઇતિહાસ
