સુરત શહેરના ખટોદરા GIDC વિસ્તારમાં આવેલા એક કારખાનામાં ગઈકાલે રાત્રે ચોરીના અનોખા અને હાસ્યાસ્પદ કિસ્સામાં બે યુવકો ચોરી કરવાના ઇરાદે દાખલ થયા હતા. રાત્રિના અંધારામાં કારખાનામાંથી માલ-સામાન ભેગો કરવાની લાલચમાં બંને ચોરો એવા ગૂંચવાયા અને ફસાઈ ગયા કે તેમને બહાર નીકળવાનો કોઈ રસ્તો જ મળ્યો નહોતો.
ખટોદરા GIDCમાં ચોરી કરવા ઘૂસેલા બે ચોરો અંધારામાં ફસાયા
લાંબો સમય ફસાયેલા રહ્યા બાદ અને બહાર નીકળવાનો કોઈ માર્ગ ન મળતાં આખરે કંટાળીને બંને ચોરોએ કારખાનાના ત્રીજા માળે આવેલી બારીમાંથી જોર-જોરથી બૂમાબૂમ કરવાનું શરૂ કર્યું હતું. રાત્રિના સમયે અચાનક ત્રીજા માળેથી આવતો અવાજ સાંભળી આસપાસના સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા જોઈ સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ અને ફાયર વિભાગને જાણ કરી હતી.
બહાર નીકળવા ત્રીજા માળેથી બૂમો પાડવી પડી
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસની PCR વાન તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી. ફાયરના જવાનોએ રેસ્ક્યુ સાધનોનો ઉપયોગ કરીને બારીના લોખંડના સળિયા કાપ્યા હતા અને બંને ચોરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. જે બાદ ફાયર ટીમે બંને આરોપીઓને સ્થળ પર હાજર PCR વાનના પોલીસ કર્મચારીઓને સોંપી દીધા હતા. નોંધનીય છે કે, થોડા સમય પહેલાં પણ સુરતમાં એક NRIના ઘરમાં ચોરી કરવા ઘૂસેલો ચોર બારીમાં ફસાઈ ગયો હતો અને લોકોએ તેને પકડી પોલીસને સોંપ્યો હતો.
