વ્યાજમાફી યોજનાની મુદ્દત લંબાય તેવી શક્યતા:રાજકોટનાં વધુમાં વધુ કરદાતાઓ લાભ લઇ શકે તે માટે મનપા દ્વારા 1 મહિનાની મુદ્દત વધારવા માટે વિચારણા

📅 Published: September 28, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના માટે જાહેર કરવામાં આવેલી મિલકતવેરા અને પાણીવેરાની વ્યાજમાફી યોજનાની મુદત 30 સપ્ટેમ્બરે પૂર્ણ થઈ રહી છે. જોકે, જનરલ બોર્ડમાં દરખાસ્ત મંજૂર થયા બાદ સત્તાવાર ઠરાવ અને વહિવટી મંજૂરી મળવામાં વિલંબ થતાં યોજનાના અંતિમ બે દિવસ જ બાકી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ બાકી કરદાતાઓ આ યોજનાનો લાભ લઈ શકે તે માટે હવે વ્યાજમાફીની મુદતમાં 1 માસનો વધારો કરવામાં આવે તેવી શક્યતા છે. મેયર ડો. નેહલ શુકલના નેતૃત્વ હેઠળ લેવાયેલા નિર્ણય અંતર્ગત બાકી મિલકતવેરામાં 5 હજાર અને પાણીવેરામાં 5 હજાર મળીને કુલ 10 હજાર વ્યાજમાફી આપવામાં આવી રહી છે. અને સમ્પ કનેક્શન ધરાવતા હાઇરાઇઝ્ડ બિલ્ડિંગો, ફ્લેટ ધારકો, આવાસ યોજનાઓ ઉપરાંત સરકારી કચેરીઓને પણ કનેક્શન દીઠ રૂ. 5000 સુધીની વ્યાજમાફી આપવા અંગે વિચારણા અંતિમ તબક્કામાં છે. વર્ષ 2014માં તત્કાલીન સ્ટેન્ડિંગ ચેરમેન નીતિનભાઈ ભારદ્વાજના સમયમાં થયેલા ઠરાવ મુજબ ફ્લેટ અને ટેનામેન્ટમાં કનેક્શનની સાઇઝ (એક ઇંચથી ચાર ઇંચ) અને યુનિટની સંખ્યાના આધારે આ વ્યાજમાફીનો લાભ આપવા હાલ વિચારણા ચાલી રહી છે. ટૂંક સમયમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. ગ્રેડ-પે મુદ્દે લેન્ડ રેકર્ડ વર્ગ-3 કર્મચારીઓની હડતાલ 8મા દિવસે યથાવત, ખેડૂતો અને અરજદારો પરેશાન રાજ્યભરના લેન્ડ રેકર્ડ વિભાગના વર્ગ-3ના સર્વેયરોની ગ્રેડ-પેમાં સુધારાની માંગ સાથેની અચોક્કસ મુદતની હડતાલ આજે 8મા દિવસે પણ યથાવત રહી છે. મંડળ અને સરકાર બંને પોતાના વલણ પર અડગ હોવાથી કોકડું ગૂંચવાયું છે. મંડળના પ્રમુખ વિજય રાવલે જણાવ્યું હતું કે સેટલમેન્ટ કમિશ્નર અને એસસીએસ મહેસૂલ સાથેની બેઠકો નિષ્ફળ રહી છે અને ઠરાવ મંજૂર ન થાય ત્યાં સુધી લડત ચાલુ રહેશે. વર્ષ 2025માં ગ્રેડ-પે વધારાને સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા છતાં અમલ ન થતાં કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. જેના કારણે જમીન માપણી, રી-સર્વે, સ્વામિત્વ, ટીપ્પણ અને નકશાની નકલ સહિતની કામગીરી સંપૂર્ણપણે અટકી પડી છે, જેનાથી ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બીજી તરફ, રાજકોટ કલેક્ટરે હડતાલી કર્મચારીઓ સામે પગાર કપાત અને સર્વિસ બ્રેક જેવા કડક પગલાં લેવાની ચીમકી આપી છે. રાજકોટમાં ડબલ ઋતુ વચ્ચે રોગચાળો વકર્યો, એક જ સપ્તાહમાં 1734 કેસ નોંધાયા રાજકોટમાં ચોમાસાની વિદાય વચ્ચે બેવડી ઋતુને કારણે રોગચાળામાં ઉછાળો આવ્યો છે. ગત તા.21થી 27-9 દરમિયાન શહેરમાં વિવિધ બીમારીના કુલ 1734 કેસ નોંધાયા છે. જેમાં ડેંગ્યુના 4, ચિકનગુનિયાનો 1, શરદી-ઉધરસના 824, સામાન્ય તાવના 719, ઝાડા-ઉલ્ટીના 184 અને ટાઇફોઇડના 2 કેસ સામે આવ્યા છે. ખાસ કરીને ચાલુ વર્ષના એક જ સપ્તાહમાં ડેંગ્યુના સૌથી વધુ 4 કેસ ચોપડે ચડતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. રોગચાળા અને મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે મહાનગરપાલિકા દ્વારા AI ટેકનોલોજી અને ડ્રોન કેમેરાથી સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. આરોગ્ય શાખા દ્વારા સપ્તાહ દરમિયાન 1,31,530 ઘરોમાં પોરાનાશક કામગીરી અને 684 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો અંગે તપાસ કરીને 235 રહેણાંક અને 70 કોમર્શિયલ મિલકતોને નોટિસ આપવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *