અમદાવાદ શહેરમાં ગુનાખોરી પર લગામ કસવા અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટો નિર્ણય લીધો છે. શહેરમાં ક્રાઇમ બ્રાન્ચના 2 નવા યુનિટ્સ વટવા અને ઓઢવ વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યા છે. ગત 25 સપ્ટેમ્બરના રોજ આ બંને નવા યુનિટ્સનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે ટૂંક સમયમાં જ પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત થઈ જશે.
ફિલ્ડ હાજરી વધશે અને સ્થાનિક પોલીસને મળશે બળ
નવા યુનિટ્સની સ્થાપના થવાથી પૂર્વ અમદાવાદના ઔદ્યોગિક અને સંવેદનશીલ વિસ્તારોમાં ક્રાઇમ બ્રાન્ચની સક્રિય ફિલ્ડ હાજરી વધશે. આ સિવાય સ્થાનિક પોલીસ સ્ટેશનોને પણ ક્રાઇમ બ્રાન્ચ તરફથી ટેકનિકલ અને ઓપરેશનલ ધોરણે વધુ મજબૂત સહયોગ મળશે. ક્રાઇમ બ્રાન્ચ હવે ગુના બન્યા પછી તપાસ કરવા ઉપરાંત ગુના બનતા અટકાવવા એટલે કે ‘પ્રિવેન્ટિવ પોલીસિંગ’ પર વધુ ભાર મૂકશે.

અસામાજિક તત્વો અને ગુનેગારો પર સીધી નજર
આ નવા યુનિટ્સ કાર્યરત થતાં જ બૂટલેગરો, જુગારીઓ, ડ્રગ્સ માફિયાઓ તેમજ વાહન ચોરી કરતી સંગઠિત ગેંગના સાગરિતો પર પોલીસની સીધી અને કડક નજર રહેશે. ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અસામાજિક તત્વો સામે આકરાં કાનૂની પગલાં ભરીને શહેરને વધુ સુરક્ષિત બનાવવાની દિશામાં ક્રાઇમ બ્રાન્ચે ચક્રો ગતિમાન કર્યા છે.
