Patna: અધિકારી દંપતીના ઘરમાં નોટોના બંડલ..! 39 લાખ રોકડા અને મોંઘી ઘડિયાળો મળતાં ખળભળાટ

📅 Published: September 28, 2026 | 📂 Category: Crime

બિહારના પટણા જિલ્લામાં તૈનાત અધિકારી દંપતીના પટણા અને બેગુસરાય સ્થિત રહેઠાણો પર સોમવારે એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. પટણા જિલ્લાના ADM સપ્લાય રવિન્દ્ર કુમાર દિવાકર અને તેમની પત્ની તથા દાનાપુરની સબ રજિસ્ટ્રાર કુમારી સ્વીટીના ઠેકાણે આ કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન મોટી માત્રામાં રોકડ, દાગીના, રોકાણ સંબંધિત દસ્તાવેજો અને મોંઘી ઘડિયાળો મળી હોવાની માહિતી સામે આવી છે.

ઘરમાંથી મળ્યા 39 લાખ રૂપિયા રોકડા

તપાસ દરમિયાન બંને રહેઠાણોમાંથી આશરે 39 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હોવાનું જણાવાયું છે. જેમાં દાનાપુરના નહેર રોડ સ્થિત રહેઠાણમાંથી આશરે 30 લાખ રૂપિયા, જ્યારે બેગુસરાયના રહેઠાણમાંથી આશરે 9 લાખ રૂપિયા મળી આવ્યા હોવાની માહિતી છે.

દસ્તાવેજો પણ મળી આવ્યા

રોકડ ઉપરાંત દરોડા દરમિયાન જ્વેલરી અને રોકાણ સાથે જોડાયેલા દસ્તાવેજો પણ મળી આવ્યા છે. તપાસ ટીમ દ્વારા તમામ વસ્તુઓ અને દસ્તાવેજોની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.

3 ડઝનથી વધુ મોંઘી ઘડિયાળો મળી

અધિકારી દંપતીના રહેઠાણમાંથી 4 મોટા બોક્સમાં રાખેલી 3 ડઝનથી વધુ બ્રાન્ડેડ ઘડિયાળો પણ મળી આવી હોવાનું સામે આવ્યું છે. આ ઘડિયાળોની કિંમતનું મૂલ્યાંકન હજુ બાકી છે. આ ઉપરાંત કેટલાક દાગીના પણ તપાસ ટીમને મળ્યા છે. તેની કિંમત પણ આંકવામાં આવી રહી છે. ઘડિયાળો અને દાગીનાની કુલ કિંમત અંગે મૂલ્યાંકન પૂર્ણ થયા બાદ વધુ વિગતો સામે આવી શકે છે.

1.06 કરોડની અપ્રમાણસર સંપત્તિનો આરોપ

અધિકારી દંપતી સામે તેમની જાણીતી આવક કરતાં આશરે 1.06 કરોડ રૂપિયા વધુ સંપત્તિ એકઠી કરવાનો આરોપ છે. આ મામલે તપાસ એજન્સીએ અગાઉ FIR નોંધાવી હતી. કોર્ટની મંજૂરી બાદ સોમવારે પટણાના દાનાપુર અને બેગુસરાય સ્થિત તેમના રહેઠાણો પર દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

તપાસ હજુ ચાલુ, વધુ ખુલાસાની શક્યતા

દરોડાની કાર્યવાહી મોડી સાંજ સુધી ચાલુ રહી હતી. તપાસ ટીમ દ્વારા રોકડ, ઘડિયાળો, દાગીના અને રોકાણ સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. હાલ મળેલી સંપત્તિ અને રોકડ અંગે અંતિમ કાનૂની સ્થિતિ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. તપાસ એજન્સી દ્વારા દરોડા પૂર્ણ થયા પછી જ કુલ જપ્તી અને અન્ય વિગતો અંગે સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવશે.  

આ પણ વાંચો  :  Crime : સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર નિધિના કાનમાં બ્લૂટૂથ અને સતત એક વ્યક્તિ સાથે સંપર્ક, ચોંકાવનારો ખુલાસો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *