અમદાવાદ શહેરના પોશ ગણાતા પશ્ચિમ વિસ્તાર થલતેજમાં ઇનોવા કાર લઈને આવેલા શાતિર તસ્કરો દ્વારા એક બંગલાને નિશાન બનાવવાનો સનસનીખેજ બનાવ સામે આવ્યો છે. સુરધારા સર્કલ પાસે આવેલી મણીકમલ સોસાયટી વિભાગ-1માં રહેતા સિનિયર સિટીઝન દંપતીના ઘરમાં ચોરી કરવાનો પ્રયાસ થયો હતો. જોકે, મધરાત્રે અવાજ થતાં જ દંપતી જાગી જઈને લાઇટ ચાલુ કરી દેતાં ચોરો ચોરી કર્યા વગર જ ભાગી છૂટ્યા હતા, જેના કારણે મોટી ચોરીની ઘટના બનતાં ટળી ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. સવારે ઘર બહારથી ચોરીના સાધનો મળ્યા
મળતી વિગતો અનુસાર, મણીકમલ સોસાયટીમાં મહેશભાઇ પટેલ પોતાની પત્ની ચંદ્રિકાબેન સાથે બંગલામાં રહે છે. ગત 25મી સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે બંને સિનિયર સિટીઝન પતિ-પત્ની પોતાના બેડરૂમમાં ઊંઘી રહ્યા હતા. તે દરમિયાન મધરાત્રે અચાનક બહારથી ખખડાટનો અવાજ આવતાં મહેશભાઇ સફાળા જાગી ગયા હતા. તેમણે તરત જ બેડરૂમ સહિત ઘરની લાઇટો ચાલુ કરી દીધી હતી. તે સમયે અંદર તપાસ કરતાં કશું શંકાસ્પદ ન જણાતાં તેઓ ફરી સૂઈ ગયા હતા. જોકે, બીજા દિવસે સવારે જ્યારે ઘરની બહાર જોયું ત્યારે તસ્કરો દ્વારા લાવવામાં આવેલા ચોરી કરવાના ઓજારો અને સામાન રેઢો પડેલો મળી આવ્યો હતો. ઇનોવા કારમાં આવી હતી તસ્કર ટોળકી
ઘર બહાર ચોરીના સાધનો જોઈને મહેશભાઇએ તાત્કાલિક સિંધુભવન રોડ ખાતે રહેતા પોતાના પુત્રને બનાવ અંગે જાણ કરી હતી. પુત્ર દોડી આવતાં પરિવારે બંગલામાં લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાયું હતું કે મોડી રાત્રે એક સફેદ રંગની ઇનોવા કાર સોસાયટીમાં આવી હતી. તેમાંથી કેટલાક શખ્સો ચોરી કરવાના ઇરાદે બંગલાના કમ્પાઉન્ડમાં ઘૂસ્યા હતા. જોકે, અંદરથી અચાનક લાઇટો ચાલુ થઈ જતાં ચોર ટોળકી પકડાઈ જવાની બીકે પોતાનો સામાન ત્યાં જ મૂકીને સિફતપૂર્વક ઇનોવા કારમાં બેસીને ફરાર થઈ ગઈ હતી. વસ્ત્રાપુર પોલીસે સીસીટીવી આધારે ચોર ટોળકીની શોધખોળ શરૂ કરી
આ બનાવ અંગે વસ્ત્રાપુર પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી મળી આવેલા ચોરીના સાધનો કબજે કર્યા છે અને સોસાયટી તથા આસપાસના મુખ્ય માર્ગો પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ એકત્ર કર્યા છે. ઇનોવા કારના નંબર અને આરોપીઓના હલનચલનના આધારે વસ્ત્રાપુર પોલીસે ચોર ટોળકીનું પગેરું મેળવવા માટે જુદી-જુદી ટીમો બનાવીને સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
થલતેજમાં ઇનોવા ગાડીમાં ચોરી ત્રાટકયા:વૃદ્ધ દંપતીના ચોરીનો પ્રયાસ, દંપતી જાગી જતા અડધી રાતે ચોર ભાગ્યા ઘટના CCTVમાં કેદ
📅 Published: September 28, 2026 |
📂 Category: gujarati-news
