24
પાદરા સિનિયર સિટીઝન એસોસિએશન દ્વારા વાર્ષિક સાધારણ સભા, સભાસદોનો જન્મોત્સવ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનો ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ સંસ્થાના અધ્યક્ષ અને ચોક્સી મહાજન મંડળના પ્રમુખ સૂર્યકાંત બી. ચોક્સીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જે પ્રસંગે પાદરા નગરના 600 જેટલા સિનિયર સિટીઝન સભ્યોએ ઉપસ્થિત રહ્યાં હતા.
કાર્યક્રમની શરૂઆત ઈશ્વર સ્તુતિ અને મહાનુભાવોના હસ્તે પ્રગટાવેલ દીપ પ્રાગટયથી થઈ હતી. જે બાદ સ્વર્ગસ્થ સદ્ગતોના આત્માની શાંતિ અર્થે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. સંસ્થાના પ્રમુખ વિજય શાહે સ્વાગત પ્રવચન કરી પધારેલા તમામ અતિથિ વિશેષો અને સભાસદોનો પરિચય આપી વિધિવત આવકાર્યા હતા.
સભામાં એપ્રિલ, મે, જૂન અને જુલાઈ મહિનામાં જન્મદિન ધરાવતા સભાસદોનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. દરેક સભ્યને પ્રોત્સાહક ભેટ આપી દીર્ઘાયુની શુભેચ્છાઓ પાઠવાઇ હતી. સમારોહમાં અતિથિ વિશેષ તરીકે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાને બેસ્ટ MLAનો એવૉર્ડ મળ્યો હોય તેમનું શિલ્ડ આપીને શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. આ સન્માન તેમણે સમારંભમાં ઉપસ્થિત માતૃશ્રીને અર્પણ કર્યું હતું. ધારાસભ્યએ પાદરા નગરના વિકાસકામોની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે નગરમાં પાઇપલાઇન દ્વારા ઘરગથ્થુ ગેસ કનેક્શન, મહીસાગર યોજનાનું શુદ્ધ પીવાનું પાણી અને મુજપુર ખાતે માત્ર એક જ વર્ષમાં કરાયેલું નવીન બ્રીજ બાંધકામ જેવા વિવિધ જનકલ્યાણના કામો પૂર્ણ કરાયા છે. તેમણે તાલુકા અને નગરના દરેક નાગરિકને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ઉપેન્દ્ર ઉપાદ્યાય, ઘનશ્યામ ઠક્કર, સુરેશ ઠક્કર સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના સભ્યોના તેજસ્વી સંતાનો, જેમણે ધો.10 અને 12ની પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો, તેઓને પ્રોત્સાહિત કરવા રોકડ ઇનામો અપાયા હતા.
આ ઇનામો પાદરાના સ્વ.મોતીલાલ ભગવાનદાસ ઠક્કર ટ્રસ્ટ તેમજ પાદરા તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ બકુલભાઈ પારેખ તરફ્થી અપાયા હતા. અંતે સંસ્થાના મંત્રી ભરત દરજીએ ઉપસ્થિત તમામ મહાનુભાવો અને સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ તમામ સભાસદોએ સાથે મળી સમૂહ ભોજનનો આનંદ માણ્યો હતો.
