અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં રસ્તાઓના સમારકામ અને ખાડા પૂરવાની ગુલાબી વાતો કરવામાં આવી રહી છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ ચિત્ર રજૂ કરે છે.AMCના દક્ષિણ ઝોનની રામબાગ ખાતે આવેલીમુખ્ય કચેરીના ગેટની બિલકુલ સામે જ છેલ્લા એક સપ્તાહથી રોડનું કામ અધૂરું મૂકી દેવાતાં તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. કચેરીની બહાર જ દિવા તળે અંધારું જેવી સ્થિતિ સર્જાતાં સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
તાજેતરમાં જ અમદાવાદના મેયર દ્વારા શહેરના તમામ ખાડાઓ ચાર દિવસમાં પૂરીને તાકીદે ડામરના રસ્તા બનાવવા માટે તંત્રને કડક અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. જોકે, અધિકારીઓ અને કર્મચારીઓ ખુદ જે કચેરીમાં બેસે છે, તેની જ સામેનો 10 ફૂટનો ટુકડો એક સપ્તાહથી બનાવી શક્યા નથી. આ ઘટનાથી સાબિત થાય છે કે ઉચ્ચ હોદ્દેદારોના આદેશોનો અમલ કાગળ પર જ રહી જાય છે. રોજિંદા ધોરણે આ રસ્તા પરથી પસાર થતાં સ્થાનિકો અને મણિનગરના રહીશોએ માંગ કરી છે કે, ચોમાસા કે અન્ય કોઈ બહાના બતાવ્યા વિના આ અધૂરા રસ્તાનું કામ તાકીદે પૂર્ણ કરવામાં આવે. ખુલ્લી કપચી પર સત્વરે ડામર પાથરી રોડને સમતળ અને વાહનવ્યવહાર માટે સુરક્ષિત બનાવવામાં આવે, જેથી કોઈ મોટી હોનારત કે અકસ્માત સર્જાય તે પહેલાં વાહનચાલકોને હાલાકીમાંથી મુક્તિ મળે.
