Essar Group: 18 અબજ ડોલરનું મેગા રોકાણ! એસ્સાર ગ્રુપ અમેરિકામાં બનાવશે ‘સ્ટીલ સામ્રાજ્ય’

📅 Published: September 29, 2026 | 📂 Category: Business

Essar Group: વિદેશમાં કરવામાં આવી રહેલા સૌથી મોટા રોકાણોમાંથી એક એવા ભારતના એસ્સાર ગ્રુપ યુનાઇટેડ સ્ટેટ્સમાં 18 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. આમાં આયોવા (Iowa) ખાતે 15 અબજ ડોલરના સ્ટીલ પ્લાન્ટનો સમાવેશ થાય છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ઓવલ ઓફિસ’માં યોજાયેલા એક કાર્યક્રમમાં આયોવા પ્રોજેક્ટની જાહેરાત કરી હતી.

અમેરિકામાં કરશે 18 અબજ ડોલરનું રોકાણ

આ કાર્યક્રમમાં રુઈયા પરિવાર જે આ ગ્રુપના માલિક છે. તેઓના  સભ્યો પણ હાજર હતા. એસ્સારની યુએસ સ્થિત પેટાકંપની, ‘મેસાબી મેટાલિક્સ’ (Mesabi Metallics), આ પ્લાન્ટનું નિર્માણ કરશે. એવી અપેક્ષા છે કે તે યુએસમાં એક સંકલિત સ્ટીલ સપ્લાય ચેઇનનો ભાગ બનશે અને મિનેસોટામાં કંપનીના કામકાજમાંથી મેળવેલા આયર્ન ઓર (લોખંડના કાચા માલ)નો ઉપયોગ કરશે.

‘યુએસના ઇતિહાસનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ હશે’

ટ્રમ્પે જણાવ્યું હતું કે આ યુએસના ઇતિહાસનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ હશે. તેમણે તેને એક મહત્વપૂર્ણ “બેટલગ્રાઉન્ડ સ્ટેટ” (ચૂંટણીની દ્રષ્ટિએ નિર્ણાયક રાજ્ય)માં આર્થિક વિજય તરીકે રજૂ કર્યો, જ્યાં રિપબ્લિકન પાર્ટીને મુશ્કેલ મધ્ય-ગાળાની ચૂંટણીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

યુએસ પ્રમુખે કહ્યું, આજે, અમને એ જાહેર કરતા ખૂબ આનંદ થાય છે કે મેસાબી મેટાલિક્સ આયોવા રાજ્યમાં યુએસના ઇતિહાસનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ બનાવશે. તે માત્ર અમેરિકામાં જ નહીં, પરંતુ વિશ્વના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટ્સમાંનો એક હશે.”

2030માં ઉત્પાદન શરૂ થવાની અપેક્ષા

આ પ્લાન્ટમાં 2030માં ઉત્પાદન શરૂ થવાની અપેક્ષા છે અને કામ પૂર્ણ થયા પછી, તે વાર્ષિક 10 મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન કરશે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે સ્ટીલ ઉત્પાદનની સમગ્ર પ્રક્રિયા યુનાઇટેડ સ્ટેટ્સની અંદર જ હાથ ધરવામાં આવશે.

ટ્રમ્પે નોંધ્યું હતું કે યુએસ સ્ટીલ ઉદ્યોગ ઝડપથી પાટા પર આવી રહ્યો છે અને તેનું શ્રેય ગયા વર્ષે સ્ટીલની આયાત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફ (આયાત જકાત)ને આપ્યું હતું. ટ્રમ્પે કહ્યું, દરેક જણ અહીં તેમના પ્લાન્ટ સ્થાપી રહ્યા છે કારણ કે તેઓ ટેરિફ ચૂકવવા માંગતા નથી. આ ખરેખર એટલું જટિલ નથી. મેસાબી મેટાલિક્સના ચેરમેન રેવંત રુઈયાએ યુનાઇટેડ સ્ટેટ્સમાં ઉત્પાદનના મહત્વ પર ભાર મૂકવા બદલ ટ્રમ્પનો આભાર માન્યો હતો.

ખાણથી લઈને સ્ટીલ સુધીની સંપૂર્ણ સપ્લાય ચેઇન અમેરિકામાં સ્થિત

આ પ્રોજેક્ટની એક મુખ્ય વિશેષતા એ છે કે એસ્સાર ગ્રુપ સ્ટીલના ઉત્પાદન માટે જરૂરી કાચો માલ અમેરિકામાં જ તૈયાર કરશે. કંપની મિનેસોટામાં લોખંડની કાચી ધાતુ (આયર્ન-ઓર)ની નવી ખાણ વિકસાવી રહી છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, છેલ્લા 50 વર્ષોમાં અમેરિકામાં આ લોખંડની કાચી ધાતુની પ્રથમ નવી ખાણ હશે.

કંપની મિનેસોટાની ખાણમાંથી કાઢવામાં આવેલી કાચી ધાતુને આયોવામાં આવેલા સ્ટીલ પ્લાન્ટ સુધી પહોંચાડવાની યોજના ધરાવે છે, જ્યાં સ્ટીલનું ઉત્પાદન કરવામાં આવશે. બીજા શબ્દોમાં કહીએ તો, ખાણથી લઈને સ્ટીલ મિલ સુધીની સંપૂર્ણ સપ્લાય ચેઇન અમેરિકામાં જ હશે.

6000 નોકરીઓ 2000 કાયમી જગ્યાઓ

ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ નિર્માણના તબક્કા દરમિયાન અંદાજે ૬,૦૦૦ નોકરીઓનું સર્જન કરશે. એકવાર પ્લાન્ટ અને ખાણકામની કામગીરી શરૂ થઈ જાય પછી, ઉત્પાદન અને ખાણકામ ક્ષેત્રે લગભગ 2000 કાયમી નોકરીઓ ઊભી થવાની અપેક્ષા છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે આ પ્રોજેક્ટ અમેરિકી અર્થતંત્રમાં અંદાજે 95 અબજ ડોલરનું યોગદાન આપી શકે છે.

50% સ્ટીલ ટેરિફનો ઉલ્લેખ

આ રોકાણની જાહેરાતમાં અમેરિકાની વેપાર નીતિ અને વિદેશી સ્ટીલ પર લાદવામાં આવેલા ૫૦% ટેરિફ (આયાત જકાત)નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકે જણાવ્યું હતું કે જો આ ટેરિફ ન હોત, તો આ ખાણ અને સ્ટીલ પ્લાન્ટનું નિર્માણ થયું ન હોત.

આ પગલાનું એક મહત્વપૂર્ણ વ્યાપારી પાસું એ છે કે અમેરિકામાં ઉત્પાદન કરતી વિદેશી કંપનીઓને ફાયદો થઈ શકે છે, કારણ કે તેઓ અમેરિકી બજારમાં આવતા સ્ટીલ પર સામાન્ય રીતે લાગતી આયાત જકાતથી બચી શકે છે.

એસ્સાર ગ્રુપ શું છે ? 

એસ્સાર ગ્રુપ એક ઔદ્યોગિક સમૂહ છે જેની સ્થાપના 1969માં ભારતમાં શશિ રુઈયા અને રવિ રુઈયા નામના ભાઈઓ દ્વારા કરવામાં આવી હતી. તેની વેબસાઇટ અનુસાર, આ ગ્રુપ ઊર્જા અને ખાણકામથી લઈને ટેક્નોલોજી અને રિટેલ સુધીના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે. ભારતમાં તેની સંપત્તિઓમાં ગુજરાતના હજીરા ખાતે આવેલો દેશનો સૌથી મોટો સિંગલ-લોકેશન સ્ટીલ પ્લાન્ટ અને વડિનાર ખાતે આવેલી બીજા ક્રમની સૌથી મોટી સિંગલ-લોકેશન રિફાઇનરીનો સમાવેશ થાય છે. તેણે યુકેમાં શેલ (Shell)ની સ્ટેનલો રિફાઇનરીનું પણ અધિગ્રહણ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે, તેણે સાઉદી અરેબિયામાં લો-કાર્બન સ્ટીલ પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી છે.

તેની યુએસ સ્થિત પેટાકંપની, ‘મેસાબી મેટાલિક્સ’ (Mesabi Metallics), મિનેસોટાના નેશવોક (Nashwauk) ખાતે કાર્યરત છે અને 2007થી કામગીરી કરી રહી છે. 2007માં તેણે ‘મિનેસોટા સ્ટીલ’નું અધિગ્રહણ કર્યું હતું, જેની પાસે 1.4 અબજ ટનથી વધુના આયર્ન ઓર (લોહ-અયસ્ક)ના ભંડાર હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *