Gandhinagar મનપા ચૂંટણીમાં AAPના 8 ઉમેદવાર ચૂંટણી રેસમાંથી બહાર, પોતાના જ ઉમેદવારના આક્ષેપો પર પાર્ટીએ આપ્યો જવાબ

📅 Published: September 29, 2026 | 📂 Category: gujarati-news

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે ઉમેદવારી પ્રક્રિયાનો અંતિમ તબક્કો પડકારજનક રહ્યો છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વધુ 1 ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચી લેતાં AAPના કુલ 5 ઉમેદવારો ચૂંટણી મેદાનમાંથી હટી ગયા છે. બીજી તરફ, મળતી માહિતી મુજબ AAPના વધુ 3 ઉમેદવારોના ફોર્મ રદ થતાં કુલ 8 ઉમેદવારો હવે ચૂંટણી પ્રક્રિયામાંથી બહાર થયા છે.

અંતિમ દિવસે AAPના 3 ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યાં

ગાંધીનગર મનપા ચૂંટણીમાં AAPના વધુ 3 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે. વોર્ડ નંબર 2માંથી રમીલાબેને ઉમેદવારી પાછી ખેંચી છે. જ્યારે અંતિમ દિવસે આજે વોર્ડ નંબર 3માંથી અભય દેસાઈએ ફોર્મ પરત ખેંચ્યું છે. આ ઉપરાંત વોર્ડ નંબર 4માંથી મકરાણી નામના ઉમેદવારે પણ પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે.

અગાઉ 4 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા હતા

આ પહેલાં AAPના 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાં હતાં. આમ, અંતિમ ગણતરીમાં AAPના કુલ 5 ઉમેદવારો ઉમેદવારી પાછી ખેંચી ચૂક્યા છે.

અભય દેસાઈના ગંભીર આક્ષેપોથી રાજકીય ચર્ચા

વોર્ડ નંબર 3ના AAP ઉમેદવાર અભય દેસાઈએ ફોર્મ પરત ખેંચ્યા બાદ પાર્ટી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, “મેં મારું ફોર્મ પાછું લીધું છે.” સાથે જ તેમણે AAP ભાજપની “બી ટીમ” તરીકે કામ કરતી હોવાનો આરોપ લગાવ્યો છે. અભય દેસાઈના જણાવ્યા મુજબ, AAPએ તેમને અન્ય વોર્ડમાંથી ટિકિટ આપી હતી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે પાર્ટી દ્વારા તેમની પાસેથી ₹1 લાખની રકમ માગવામાં આવી હતી. 

AAPના 3 ઉમેદવારોના ફોર્મ રદ

ફોર્મ પરત ખેંચવાની સાથે AAP માટે વધુ મુશ્કેલી ફોર્મ રદ થવાથી ઊભી થઈ છે. ગાંધીનગર વોર્ડ નંબર 2માં AAPના ઉમેદવાર પ્રવીણ દંતાણીનું ફોર્મ 2થી વધુ સંતાન હોવાના કારણસર રદ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત વોર્ડ નંબર 10ના AAP ઉમેદવાર હાર્દિક તલાટીનું ફોર્મ પણ રદ થયું છે. હાર્દિક તલાટીએ આક્ષેપ કર્યો હતો કે એફિડેવિટમાં રજૂ કરાયેલી વિગતોના દસ્તાવેજોને લઈને તેમને જરૂરી સમય આપવામાં આવ્યો નહોતો.

વોર્ડ 5માં મેન્ડેટને લઈને વાંધો

ગાંધીનગર મનપાના વોર્ડ નંબર 5માં AAPના ઉમેદવાર જીતેન્દ્રસિંહ ચૌહાણના ફોર્મ સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. મેન્ડેટ રજૂ ન થયું હોવાનો વાંધો ભાજપ તરફથી ઉઠાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. આ સિવાય વોર્ડ નંબર 6માં યુથ ઈન્ડિયા પીસ પાર્ટીના ઉમેદવાર કાજલ મકવાણાનું ફોર્મ પણ રદ થયું છે. 

આપના ઉમેદવારો ઓછી સીટ પર લડે તેવા ભાજપ અને કોંગ્રેસના પ્રયાસ 

આપના નેતા કરણ બારોટે સંદેશ ડિજીટલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગઇ કાલે ફોર્મ રદ કર્યા હતા પણ જ્યારે અમે ફોર્મ સબમીટ કરવા ગયા હતા અને ચકાસણી માટે જે ખાતરી ફોર્મ આપતા હોય છે તેમાં કોઇ સૂચના લખાઇ ન હતી. સ્કૃટિની વખતે કહ્યું કે તમારું મેન્ડેન્ટ જ નથી. આપના ઉમેદવારો ઓછી સીટ પર લડે તેવા ભાજપ અને કોંગ્રેસના પ્રયાસ છે. આપના ઉમેદવારના ફોર્મ રદ કેવી રીતે થાય તેના પ્રયાસો કરાયા છે. આપના તમામ ઉમેદવારો પ્રચાર કરતા હતા અને લોકોની વચ્ચે રહેલા છે. મહત્વની વાત એ છે કે આપના ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચાડવા ખુદ કોંગ્રેસના કાર્યકરો ટીંગાટોળી કરીને લાવ્યા હતા. આ બધા કૃત્ય ભાજપના ઇશારે થઇ રહ્યા છે. હકીકત છે કે કોંગ્રેસ જ ભાજપના ઇશારે અમારા ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવે છે. કોંગ્રેસ લોકોની આંખમાં ધુળ નાખે છે. 2015 અને 2010માં કોંગ્રેસને લોકોએ તક આપેલી પણ તે વખતે મેયર સહિત ભાજપમાં બધા જતા રહ્યા હતા. આ લોકો વિશ્વાસને લાયક નથી. આપના કાર્યકરો આજે પણ મેદાનમાં છે. 

બધા ફોર્મ પાછું ખેચાય પછી જ આરોપ લગાવે છે

આપના ઉમેદવાર અભય દેસાઇએ ફોર્મ પરત ખેંચ્યા બાદ આપ પર લગાવેલા ગંભીર આરોપ અંગે કરણ બારોટે જણાવ્યું હતું કે બધા ફોર્મ પાછું ખેચાય પછી જ આરોપ લગાવે છે પણ જ્યારે ફોર્મ ભરે છે ત્યારે કોઇ કેમ બોલતું નથી કે આરોપ લગાવતું નથી.હકિકતમાં આ લોકો ફોર્મ પાછું ખેંચીને પછી તેમને જે સ્ક્રીપ્ટ અપાય તે રીતે સ્ક્રીપ્ટમાં લખેલું બોલે છે. 

આ પણ વાંચો :   Premanand Maharajના શિષ્ય રસિક દુલારી શરણના મોતમાં નવો વળાંક, ડિલીટ થયેલી ચેટથી ખુલશે રહસ્ય?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *