મહેસાણાના ગુજારીયા ગામના એક જ પરિવારના ત્રણ સભ્યો અમેરિકા જવાની લાલચમાં કેનેડા પહોંચ્યા બાદ અચાનક ગુમ થઈ જતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી વિગતો અનુસાર, મમતાબેનના પતિ ચિરાગકુમાર 6 મહિના પહેલાં સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયા હતા. મમતાબેનના વિઝા વારંવાર રિજેક્ટ થતાં, તેમણે સગા જિતુભાઈ મોચી મારફતે ડાંગરવાના એજન્ટ અલ્પેશ પંચાલ અને વડોદરાના ભાર્ગવ પટેલનો સંપર્ક કર્યો હતો.
અમેરિકા જવા નીકળેલા એક જ પરિવારના 3 સભ્યો કેનેડાથી ગુમ
આ સમગ્ર મામલે એજન્ટ અલ્પેશ પંચાલે ચોંકાવનારૂં નિવેદન આપતા જણાવ્યું છે કે, વડસના ત્રણ લોકોને વિદેશ મોકલવા માટે ₹70 લાખની રકમ નક્કી કરવામાં આવી હતી. આ કામ તેનો ભત્રીજો ભાવિન લાવ્યો હતો અને તમામ મુસાફરોને જયપુરથી કેનેડા મોકલવા માટે ફ્લાઇટમાં બેસાડવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને કાયદેસર રીતે અમેરિકા પહોંચાડવાના હતા. જોકે, તેમણે બાબા ખાન નામના વ્યક્તિને ઓળખવાનો ઇનકાર કર્યો હતો અને ઇસનપુરથી મુસાફરોને ક્યાંથી ઉપાડવામાં આવ્યા તે અંગે અજ્ઞાનતા દર્શાવી હતી.
મહેસાણામાં વિદેશ મોકલવાના નામે મોટી ગડબડ
પરિવારના ત્રણેય સભ્યો (મમતાબેન, ઋત્વિક અને મયુરીબેન) 20 સપ્ટેમ્બરના રોજ ઘરેથી નીકળ્યા હતા. 22 સપ્ટેમ્બરના રોજ મમતાબેને પિતાને ફોન કરીને કેનેડા લેન્ડ થઈ ગયા હોવાની જાણ કરી હતી. પરંતુ 22 સપ્ટેમ્બર પછી આજદિન સુધી ત્રણેયનો કોઈ સંપર્ક ન થતાં કિરીટભાઈ દશરથભાઈ ચૌહાણે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધાવી છે. લાંઘણજ પોલીસ સ્ટેશનના પીઆઈ અંકુશ ગેહલોતના જણાવ્યા અનુસાર, પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ આગળની તપાસ ચાલુ કરી છે.
